• બુધવાર, 15 એપ્રિલ, 2026

રાપરમાં અખાત્રીજ નજીક આવતાં બજારમાં રોનક દેખાઈ

રાપર, તા. 14 : આસમાની સુલતાની પર નિર્ભર ખેતી અને પશુપાલન આધારિત રાપર તાલુકામાં નર્મદામૈયાની કૃપાથી રાપરનો ખેડૂત બે પાંદડે થયો છે. ચોમાસામાં સારો વરસાદ થતાં રવી સિઝન પણ સારી રહી હોવાથી અને માલનું વેચાણ થઈ ચૂક્યું હોવાથી ખેડૂતોની ગાંઠે ગરથ આવ્યું હોઈ ખેડૂત અને ખેતી સંલગ્ન તમામ વ્યાવસાયિકો ખરીદીનાં મૂડમાં હોય તેમ રાપરની બજાર ગ્રાહકોથી ઊભરાઈ રહી છે. અખાત્રીજ નજીક આવતાં લગ્નની ખરીદી અને મુંબઈવાસીઓથી બજારમાં રોનક આવી ગઈ છે. વાગડમાં પરંપરાગત અખાત્રીજનાં દિવસે પાટીદાર સમાજમાં મોટેપાયે લગ્નોત્સવ યોજાતો હોઈ અને આહીર સમાજમાં વૈશાખી તેરસે લગ્નોનું આયોજન કરવામાં આવતું હોવાથી આ દિવસોમાં મુંબઈ અને અન્યત્ર વસતા વાગડવાસીઓ માદરે વતન આવતાં હોવાથી ગામડાંઓ પણ જીવંત બનતાં હોય છે. આજુબાજુમાં રાપર જ તાલુકાનું મુખ્ય હટાણું કરવાનું સ્થળ હોવાથી આ તમામ ગ્રાહકો રાપર ખરીદી માટે આવતાં હોય છે. હાલમાં કપડાં, પગરખાં, કટલેરી, કરિયાણા, કંદોઈ અને નાસ્તાની દુકાનો ગ્રાહકોથી ભરેલી જોવા મળી રહી છે.  સોના-ચાંદીનાં ભાવ આસમાને પહોંચ્યા હોવાથી સોના-ચાંદીનાં દાગીનાની ખરીદી જરૂરી હોય, તો જ કરતા હોય છે. ઘણુંખરું જૂના દાગીનાની અવેજીમાં નવાં દાગીના બનાવવાનું ભડકે બળતાં ભાવને ધ્યાનમાં રાખીને ઘરાકો વધુ પસંદ કરતાં હોવાનું સોના ચાંદીનાં દુકાનદાર દિનેશભાઈ સોનીએ જણાવ્યું હતું, તો વચ્ચે થયેલા કમોસમી વરસાદને લીધે જીરૂ, ઈસબગુલ, કપાસ, એરંડા જેવા પાકોમાં નુકસાન થયું હોવાથી પણ ખેડૂતોનો હાથ થોડો ખેંચાયેલો હોવાનું યુવા વેપારી રાજ સોનીએ જણાવ્યું હતું. ઘણા સમય પછી બજારમાં ઘરાકી દેખાતાં વેપારીનાં મોઢા પર ચમક આવી ગઈ છે. 

Panchang

dd