• બુધવાર, 15 એપ્રિલ, 2026

`બિનહરીફ'ના પ્રયાસો કરીને મતદારોનો ઉમેદવાર પસંદગીનો અધિકાર છીનવી ન લ્યો...

ભુજ, તા. 14 : લોકશાહીની વક્રતા કેવી ? મતદારો પોતાના વિસ્તારના જનપ્રતિનિધિ ચૂંટવા માટે પાંચ વર્ષ ચૂંટણીની રાહ જોઈ રહ્યા હોય ને બેઠક બિનહરીફ કરાવી લેવાય તો મતદારોની અપેક્ષા-આકાંક્ષાઓનું શું? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થતાં જ કેટલાક વિસ્તારોમાં બળૂકા ઉમેદવારોને લડયા વિના જ વિજેતા બનાવવાના પ્રયત્નો થયા... પ્રતિસ્પર્ધીનાં ફોર્મ પાછા ખેંચાવવાનાય વ્યાયામ થયો. પરિણામ સ્વરૂપ અમુક બેઠક બિનહરીફ થઈ. ચૂંટણી લોકશાહીનો તહેવાર છે, પણ સત્તા કાજે ખેલાતા દાવપેચને લીધે એ તીવ્ર સ્પર્ધા કે ક્યારેક જંગનું સ્વરૂપ લઈ લે છે. લોકશાહીની ભાવનાને માન આપતાં બુદ્ધિજીવીઓ કહે છે કે, નગરપાલિકા, તાલુકા કે જિલ્લા પંચાયત ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય. પ્રતિનિધિના કાર્યો, અભિગમ, તેની છાપ લોકોની નજર સામે હોય છે. એટલે જ મતદાનની ઉત્સુકતા રહેતી હોય છે. ચૂંટણી લડાવી જ જોઈએ એ સિદ્ધાંતમાં માનનારા માંડવીના સપૂત અને દેશના પ્રખર અર્થશાત્રી કે. ટી. શાહે દાખલો બેસાડયો હતો. 1950માં દેશને બંધારણ મળ્યું અને મે 1952માં રાષ્ટ્રપતિની ચૂંટણી નિર્ધારિત થઈ. ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા કદાવર કોંગ્રેસ નેતા આ પદ માટે આપોઆપ પસંદગી હોવાના જ, પરંતુ કે. ટી. શાહે કહ્યું, લોકશાહીમાં તંદુરસ્ત સ્પર્ધા અનિવાર્ય છે. તેમણે ડો. રાજેન્દ્રપ્રસાદ સામે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે ઝંપલાવીને ચૂંટણી લડી હતી. ધારણા મુજબ પ્રા. કે.ટી. શાહ હારી ગયા, પણ તેમના સિદ્ધાંત અને લોકતંત્રની ભાવનાની જીત થઈ હતી. ચૂંટણી યોજવાના પક્ષમાં એક મજબૂત દલીલ એ પણ છે કે, બેઠક બિનહરીફ મેળવવામાં આવે છે, ત્યારે  મતદારો પાસેનું ઉમેદવારને નકારવાનું `નોટા' શત્ર બુઠ્ઠું થઈ જાય છે. `નોટા' અધિકાર લોકશાહીએ જ આપ્યો છે એનું શું

Panchang

dd