• બુધવાર, 15 એપ્રિલ, 2026

ચૌધરી બન્યા બિહારના સમ્રાટ; નીતીશ યુગ અસ્ત

નવી દિલ્હી, તા. 14 : આખરે બિહારના મુખ્યમંત્રી પદે નીતિશ કુમારના અનુગામી નક્કી થઈ ગયા છે. સમ્રાટ ચૌધરી બિહારમાં નવા મુખ્યમંત્રી બનશે. બિહાર ભાજપ અને એનડીએ વિધાયક દળની બેઠકમાં નેતા તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા બાદ સાંજે રાજ્યપાલને મળીને વિધાયકોનું સમર્થન પત્ર સોંપીને સરકાર રચવાનો દાવો પણ કર્યો હતો, હવે આવતીકાલે લોકભવનમાં તેમના શપથગ્રહણનો સમારોહ યોજાશે. આ પહેલાં મુખ્યમંત્રી પદેથી નીતિશકુમારે રાજીનામું આપી દીધું એ સાથે જ બિહારની રાજનીતિમાં એક યુગ પૂર્ણ થયો હતો. આવતીકાલે નવા મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી પદે જેડી-યુના વરિષ્ઠ નેતા બ્રિજેન્દ્રપ્રસાદ યાદવ અને વિજયકુમાર ચૌધરી પણ શપથ લેશે. નીતિશકુમાર 16મી માર્ચે રાજ્યસભામાં ચૂંટાયા હતા અને બંધારણીય નિયમ અનુસાર એક જ સમયે રાજ્યના વિધાનમંડળ અને સંસદ, બંનેની સદસ્યતા કોઈ સાથે જાળવી શકે નહીં. આનાં હિસાબે નીતિશે મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. બે દાયકા કરતા વધુ સમય સુધી બિહાર મુખ્યમંત્રી પદે રહ્યા બાદ આજે નીતિશે રાજ્યપાલ સૈયદ અતા હસનૈનને મળીને પોતાનું રાજીનામુ સોપ્યું હતું. ત્યારબાદ સમ્રાટે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો, જેનો સ્વીકાર કરી લેવામાં  આવ્યો હતો. આવતીકાલે સવારે 11 કલાકે તેમનો શપથ સમારોહ યોજાશે, જેમાં સમ્રાટ ચૌધરીની સરકારની કેબિનેટના મંત્રીઓના શપથ પણ થશે. આવતીકાલે તેમના શપથ સાથે બિહારના ઈતિહાસમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી રાજ્યની સરકારનું નેતૃત્વ કરશે. આજે નીતિશકુમારે મુખ્યમંત્રી તરીકે પોતાનાં મંત્રીમંડળની છેલ્લી બેઠક બોલાવી હતી અને તેમાં પોતાનાં રાજીનામાની સત્તાવાર ઘોષણા કરી હતી. એનડીએ વિધાનમંડળ દળની બેઠકમાં ભાવુક સંબોધન કરતા નીતિશે બધાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે, હવે નવી સરકારની રચના થશે અને તેને મારું પૂરું માર્ગદર્શન મળતું રહેશે. તેમણે આગળ કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદીને નમન કરું છું અને તેમનાં નેતૃત્વમાં બિહાર વધુ ઝડપથી વિકાસના માર્ગે આગળ ધપશે. આ બેઠકમાં જ નીતિશે સમ્રાટ ચૌધરીનું પોતાના ઉત્તરાધિકારી તરીકે ઉમળકાથી સ્વાગત કર્યું હતું.  

Panchang

dd