• રવિવાર, 16 જૂન, 2024

છેત્રીનું સ્થાન ભરવું મુશ્કેલ

ભારત માટે સર્વાધિક 94 ગોલ કરનારા ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીએ નિવૃત્ત થવાની ઘોષણા કરી છે અને તે પછી તેમનાં નામની ચર્ચા ફૂટબોલની દુનિયામાં નહીં, આખા દેશમાં જોરશોરથી થઈ રહી છે. લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમના કેપ્ટન રહેલા સુનીલ લગભગ બે દશકા સુધી ભારતીય ફૂટબોલનો સૌથી ચમકદાર ચહેરો છે, તેમનો દુનિયામાં સર્વાધિક ગોલ કરનારા સર્વશ્રેષ્ઠ ચાર ફૂટબોલરમાં સમાવેશ થાય છે. એમની ખાસિયત જો જોવામાં આવે, તો ખૂબ સાંકડી જગ્યામાં, નાના એંગલથી તેઓ ગોલ કરવામાં સક્ષમ છે. આવી રમતનો દુનિયામાં ખૂબ ઓછા ખેલાડીઓને અભ્યાસ છે. કારણ છે કે, તેમની ગણતરી સર્વાધિક ગોલ કરવાના પ્રકરણમાં દુનિયાના શ્રેષ્ઠ સમકાલીન બે ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિઓનેલ મેસી સાથે થતી હતી. આવો ખેલાડી શોધવો આસાન નહીં હોય. હાલ તેમના સ્તરનો ખેલાડી ભારત પાસે નથી. સુનીલ છેત્રી હવે છઠ્ઠી જૂન પછી બ્લ્યૂ ટાઈગર્સ વર્ધા ભારતીય ફૂટબોલ ટીમની જર્સીમાં નહીં દેખાય. છઠ્ઠી જૂને કુવૈત વિરુદ્ધ કોલકાતાના સાલ્ટલેક સ્ટેડિયમમાં ખેલાનારા વિશ્વકપ ક્વોલિફાયરનો મુકાબલો તેમની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. દેશ માટે સર્વાધિક 150 મેચ રમનારા છેત્રીનું ભારતીય ટીમથી વિદાય થવું એક મોટો આંચકો છે. વાઈચુંગ ભૂટિયાની 2011માં નિવૃત્તિ પછી છેત્રી ભારતીય ટીમની ટોચની હરોળની જવાબદારી પોતાના ખભા પર એકલા સંભાળતા હતા. 2005માં પાકિસ્તાનમાં રમીને એમણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને મેચમાં પોતાનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો, જેને છેત્રી તેની કારકિર્દીની સૌથી યાદગાર અને શ્રેષ્ઠ ક્ષણ માને છે. પુત્રના લક્ષણ પારણામાં જેવી છેત્રીની રમતથી ભારતીય ફૂટબોલ જગતને એક સાંત્વના મળી હતી કે, લાંબા સમય બાદ ટીમમાં એક આશાસ્પદ ફૂટબોલરનો ઉદય થઈ રહ્યો છે. પછી સુનીલ છેત્રીએ ક્યારેય પાછા ફરીને નથી જોયું. 2001, 2009 અને 2012માં ભારતને નેહરુ કપ જીતવામાં મદદ કરી હતી, તો 2011, 2015 અને 2021માં છેત્રીની ટીમે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ જીતી હતી. 2008માં ભારતે એએફસી ચેલેન્જ કપ જીત્યો હતો, તેમાં પણ છેત્રીની ભૂમિકા હતી. સફળતાના પગલે ભારત 27 વર્ષના લાંબા ગાળા પછી પહેલીવાર 2011માં એએફસી માટે ક્વોલિફાઈ થયું હતું. છેત્રી મોહન બાગાન માટે પણ રમ્યો છે અને 2010માં યુએસએ મેજર લીગ સોકર ક્લબ કેન્સાસ સિટી વિઝાર્ડ માટે પણ રમ્યો છે. સુનીલ છેત્રી યુવાપેઢી માટે રોલ મોડેલ હતો, તેમની લોકપ્રિયતા ફૂટબોલ જગત સુધી મર્યાદિત નહોતી. એટલે તેમની નિવૃત્તિ અંગે ભારતીય ટીમના અનેક ખેલાડીઓએ તેમની સિદ્ધિ વર્ણવી તેમને નવાજ્યા છે. જો કે, ભારતીય ફૂટબોલ ટીમ માટે છેત્રીનું સ્થાન ભરવાનો સમય પાકી ગયો છે. ભારતીય ટીમ હાલ પાંગળી બની ગઈ છે, કેમ કે પોતાની ક્લબ માટે રમી રહેલો કોઈ ખેલાડી મુખ્ય સ્ટ્રાઈકર તરીકે નથી રમી રહ્યો. જો કે, સુનીલ છેત્રીની મેદાનની અંદર અને બહારની વિરાસત હંમેશાં યાદ રહેશે, તેઓ હંમેશાંની જેમ પ્રેરિત કરવાનું ચાલુ રાખશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang