• સોમવાર, 09 નવેમ્બર, 2026

હોંગકોંગ ઓપન : સોરાના કર્સ્ટિયાની હાર સાથે ટેનિસ કારકિર્દીનો અંત

નવી દિલ્હી, તા. 8 : રોમાનિયાની 34 વર્ષીય સ્ટાર ટેનિસ ખેલાડી સોરાના કર્સ્ટિયાની બે દાયકા લાંબી શાનદાર સફર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. હોંગકોંગ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ટોપ સીડ કર્સ્ટિયાને 136મી રેન્કની 21 વર્ષીય રશિયન ક્વોલિફાયર એલેક્ઝાન્ડ્રા શુબલાદ્ઝે સામે 2-6, 3-6થી અપસેટ સહન કરવો પડયો હતો.  ડિસેમ્બર 2025માં જ 2026ની સીઝનને પોતાની અંતિમ સીઝન જાહેર કરનાર કર્સ્ટિયાની આ હાર સાથે તેની પ્રોફેશનલ કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. મેચમાં શુબલાદ્ઝેએ આક્રમક શરૂઆત કરી પ્રથમ ચાર ગેમ જીતી લીધી હતી અને 6-2થી પ્રથમ સેટ પોતાનાં નામે કર્યો હતો. કર્સ્ટિયા મળેલા પાંચ બ્રેક પોઇન્ટ્સમાંથી એક પણ વટાવી શકી નહોતી. બીજા સેટમાં 1-3થી પાછળ રહ્યા બાદ કર્સ્ટિયાએ 3-3ની બરાબરી કરી લડત આપી હતી પરંતુ ત્યારબાદ લય ગુમાવતા રશિયન ખેલાડીએ સતત સર્વિસ બ્રેક કરી 6-3થી સેટ અને મેચ બન્ને જીતી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.2006માં ડેબ્યૂ કરનાર કર્સ્ટિયા માટે વિદાય વર્ષ શાનદાર રહ્યું હતું. આ સીઝનમાં તેણે 42-18નો વિન-લોસ રેકોર્ડ નોંધાવ્યો, ક્લૂજ-નાપોકા ટાઇટલ જીત્યું અને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 15મી વર્લ્ડ રેન્કિંગ હાંસલ કરી ગૌરવપૂર્ણ વિદાય લીધી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd