• રવિવાર, 08 નવેમ્બર, 2026

ઈઝરાયલમાં આઈઝનકોટને સરકાર રચવાનું આમંત્રણ

તેલ અવીવ, તા. 8 : ઈઝરાયલના રાજકારણમાં એકમાત્ર મોટું અને ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લાં 19 વર્ષથી સત્તાની ડોર સંભાળતા વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ માટે આ એક ખૂબ મોટો રાજકીય ઝટકો છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગે ઔપચારિક જાહેરાત કરતાં વિપક્ષી નેતા અને દેશના ભૂતપૂર્વ સૈન્ય પ્રમુખ ગાદી આઈઝનકોટને સરકાર બનાવવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે.  તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોઈ પણ એક ગઠબંધનને સ્પષ્ટ બહુમતી  મળી ન હતી. 120 સભ્યની ઈઝરાયલી સંસદમાં નેતન્યાહુની લિકુડ પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી હતી અને તેના ગઠબંધનને 53 બેઠક મળી હતી, જે સરકાર બનાવવા માટે જરૂરી 61ના જાદૂઈ આંકડાથી આઠ બેઠક દૂર રહી ગઈ હતી. બીજી તરફ, રાષ્ટ્રપતિ સાથેની બેઠક અને પરામર્શ દરમિયાન 67 સાંસદે ગાદી આઈઝનકોટનાં નામની ભલામણ કરી હતી, જેનાં પગલે રાષ્ટ્રપતિએ તેમને સરકાર રચવાની પહેલી તક આપી છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા કાર્યક્રમમાં ગાદી આઈઝનકોટને સરકાર બનાવવા માટેનું ઔપચારિક નિમંત્રણ આપવામાં આવશે. આ નિમંત્રણ મળ્યા બાદ આઈઝનકોટ પાસે સરકાર સાબિત કરવા અને બહુમતી મેળવવા માટે 28 દિવસનો સમય રહેશે. જો જરૂર પડશે તો રાષ્ટ્રપતિ આ સમયસીમામાં વધુ 14 દિવસનો વધારો પણ કરી શકે છે. ગાદી આઈઝનકોટની  `યાશર' પાર્ટી અને તેમના ચાર દળોના ગઠબંધન પાસે હાલ 48 બેઠક છે. જો કે, ઈઝરાયલના અલ્પસંખ્યક અરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી બે પક્ષોની 19 બેઠકોનું સમર્થન મળવાથી તેમનો આંકડો 67 પર પહોંચ્યો છે. જો કે, અરબ પક્ષોના ટેકાથી સરકાર બનાવવી અને વિવિધ વિરોધાભાસી વિચારધારા ધરાવતા પક્ષોને એકતાંતણે બાંધવા આઈઝનકોટ માટે સરળ રહેશે નહીં. તેમણે સ્પષ્ટ શરતો મૂકી છે કે, તેઓ દેશને લોકશાહી અને સમાનતાવાદી મૂલ્યો પર ચલાવવા માગે છે. બીજી બાજુ, નેતન્યાહુએ આ વલણની આકરી ટીકા કરતાં દાવો કર્યો છે કે, `આતંકવાદીઓના સમર્થકો' સાથે મળીને ઉતાવળમાં રચાતી આ સરકાર દેશ અને સૈનિકોની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. હવે જોવું એ રહ્યું કે શું ગાદી આઈઝનકોટ આ જટિલ રાજકીય ગણતરીઓ વચ્ચે સ્થિર સરકાર બનાવીને ઇતિહાસ રચે છે કે નહીં.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd