નવી દિલ્હી, તા. 8 : ભારત દેશ
સીમાના સંત્રી સૈનિકોનો ઋણી રહેશે. દેશનો દરેક જવાન મારો પરિવાર છે, તેવી લાગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશપર્વે
વ્યક્ત કરી હતી. વડાપ્રધાને આજે લગાતાર 13મી વાર જવાનો સાથી દિવાળી ઊજવી હતી. વડાપ્રધાને કહ્યું હતું
કે, મજબૂત રાજકીય ઈચ્છાશક્તિને લીધે આજે દેશમાંથી
નક્સલવાદનો ખાતમો થયો છે, પણ સશત્ર માઓવાદીઓ ભલે ખતમ થયા હોય,
દિમાગી નક્સલીઓ સામેનો જંગ હજુ જારી છે. છત્તીસગઢ પહોંચેલા મોદીએ બસ્તરમાં
કોબરા ઓપરેશન્સ બેઝ પર સીઆરપીએફના સૈનિકો સાથે દીપોત્સવ પર્વની ઉજવણી કરી હતી. આ અવસરે
42 મિનિટના ભાષણ દરમ્યાન વડાપ્રધાને
વિપક્ષો, વિરોધીઓ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે,
હથિયારવાળા નકસલવાદીઓથી તો દેશમુક્ત થઈ ચૂક્યો છે. હવે દિમાગી નકસલીઓ
સામે લડવાનું છે. વડાપ્રધાને કહ્યું હતું કે, જ્યારે કોઈ દેશની
આંતરિક સુરક્ષા મજબૂત હોય છે, ત્યારે બહારના દુશ્મન સફળ નથી થઈ
શકતા. પરંતુ જ્યારે આંતરિક સુરક્ષા કમજોર પડે છે, ત્યારે બહારના
દુશ્મન પણ માથું ઊંચું કરવા લાગે છે. છેલ્લા એક વર્ષમાં ફરજ દરમ્યાન સીઆરપીએફના કોઈ
જ જવાન શહીદ નથી થયા. આ સુરક્ષા દળોના શૌર્ય, સાહસ અને સરકારની
સાચી નીતિઓની જીત છે, તેવું પીએમ બોલ્યા હતા. 13મી વાર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરનાર
વડાપ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લાં
12 વર્ષમાં 50 કરોડ ભારતીય લોકો ભીષણ ગરીબીમાંથી
મુક્ત થયા છે. આ સરકારની કલ્યાણકારી યોજનાઓની
ઉપલબ્ધિ છે, તેવું મોદીએ કહ્યું હતું.
વડાપ્રધાને જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છા આપી હતી. 2025માં વડાપ્રધાન મોદીએ ગોવામાં આઇએનએસ વિક્રાંત પર નૌકાદળના સૈનિકો વચ્ચે
દિવાળી મનાવી હતી. ત્યાં લગભગ 40 મિનિટ સુધી
તેમણે પ્રવચન કર્યું હતું.