વિથોણ (તા. નખત્રાણા), તા. 7 : અહીં 20 ગામના મુખ્ય મથક વિથોણ ગામની
બજારોમાં ગ્રાહકનો દબદબો જોવા મળ્યો હતો. સોના-ચાંદીના વેપાર સાથે હજારો કિલોના હિસાબે
મીઠાઇ, ફરસાણનું ધૂમ વેચાણ થયું હતું. દુષ્કાળ જેવી
પરિસ્થિતિની કોઇ અસર ખરીદદારો ઉપર જોવા મળતી ન હતી અને દુકાનદારો પણ ધાર્યા કરતા વધુ
માલ વેચાણને કારણે મલકી ઊઠયા હતા. વિથોણના સોના-ચાંદીના વેપારી સુરેશભાઇ સોનીના જણાવ્યા
મુજબ આ વર્ષે ધનતેરસના દિવસે સોના અને ચાંદીના દાગીનાનું ધાર્યા કરતા વધુ વેચાણ થયું
છે. ઉપરાંત જૂના દાગીના જમા કરાવીને નવા આભૂષણો ખરીદવા (લે-વેચ)નો વેપાર પ્રમાણમાં
સારો થયો છે. બીજીબાજુ મીઠાઇ, ફરસાણની દુકાનોમાં ગ્રાહકોની કતારો
લાગી હતી, વિથોણના મીઠાઇ, ફરસાણના વેપારી
મેહુલ જોશીએ લોકોનાં આરોગ્યનું ધ્યાન રાખીને શુદ્ધ મીઠાઇ, ફરસાણ
બનાવ્યું છે, જે ધનતેરસ તેમજ કાળીચૌદશના દિવસે જ લગભગ ઉપડી ગયું
છે. પાછલા થોડા વર્ષોથી ગામના સમાજો પણ મીઠાઇ બનાવી વ્યાજબી ભાવે વિતરણ કરે છે. ત્યાં
પણ ગ્રાહકની કતાર લાગી હતી. રેડીમેડ કપડાંના વેપારીઓ પણ પાછલા બે દિવસથી વેપારમાં પોરવાયેલા
છે. રેડીમેડ વત્રોનું પ્રમાણમાં સારું વેચાણ થયું હોવાનું રમણભાઇ ધોળું અને મેહુલ જાનીએ
જણાવ્યું છે. આ વર્ષે આતશબાજીની અનેક દુકાનો ઉપરાંત નાના મોટા સ્ટોલ શેરીએ-શેરીએ જોવા
મળી રહ્યા છે. રસકસ અને
કરિયાણાના હોલસેલના વેપારી રોનકભાઇ સુરેશભાઇ મહેતાના જણાવ્યા મુજબ અત્યારે બજારમાં
તમામ ચીજ વસ્તુઓ રેડીમેડ પેકિંગમાં મળતી હોવાથી કોઇ વિશેષ ખરીદી કરવા ગ્રાહકો આવતા
નથી છતાં રાબેતા મુજબનો વેપાર ચાલુ છે.