ગાંધીધામ, તા. 8 : અહીંના અંતરજાળ રાજનગરમાં રહેનાર
રેણુકાબેન રાણાભાઇ આહીર (ઉ.વ. 54) તથા તેમના
દીકરી અંકિતાબેન (ઉ.વ. 22)એ ગળેફાંસો
ખાઇ પોતાનું જીવન ટુંકાવી લેતાં ભારે ગમગીની પ્રસરી હતી. બીજી બાજુ અંજારના જી.આઇ.ડી.સી.માં
કાર સર્વિસ કરતી વેળાએ વીજશોક લાગતાં પારસ નવીન માલસતર (ઉ.વ. 24) નામના યુવાને જીવ ખોયો હતો
તેમજ અંજારના મફતનગરમાં જેન્તીભાઇ નાનજી હોડ (ઉ.વ. 64) પોતાના ઘરે મૃત મળી આવ્યા હતા. અંતરજાળના રાજનગર વિસ્તારમાં
ગત તા. 7-11ના સાંજના અરસામાં આ કરુણ બનાવ
પ્રકાશમાં આવ્યો હતો. મહેશ રાણાભાઇ આહીર નામનો યુવાન ગઇકાલે સાંજે ઘરે પરત આવતાં તેની
માતા અને બહેન લટકતી હાલતમાં મળી આવ્યા હતા. રેણુકાબેનની છેલ્લા ચાર-પાંચ વર્ષથી મગજની
બીમારીની દવા ચાલુ હતી તેમજ અંકિતાબેનના લગ્ન થઇ ગયા છે અને છેલ્લા દેઢ વર્ષથી તે પિયરમાં
રહેતા હતા, દરમ્યાન ગઇકાલે અગમ્ય કારણોસર
આ બંને માતા-દીકરીએ લાકડાંની આડીમાં કપડાં સૂકવવાની દોરી વડે ગળેફાંસો ખાઇ બંનેએ પોતાનું
જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. દિવાળીના
સપરમા દિવસોએ માતા-દીકરીનાં મૃત્યુનાં પગલે ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. બીજી
બાજુ નાગલપરમાં રહેનાર પારસ નામનો યુવાન અંજાર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં હતો. આ યુવાન
અહીં કાર સર્વિસ કરી રહ્યો હતો. દરમ્યાન તેને વીજ શોક લાગતાં તેને સારવાર અર્થે લઇ
જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો.
વધુ એક બનાવ અંજારના મફતનગરમાં બન્યો હતો. અહીં રહેનાર જેન્તીભાઇ હોડ નામના વૃદ્ધ પોતાના
ઘરે મૃત મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ
કરી આગળની તપાસ હાથ ધરી છે.