• રવિવાર, 08 નવેમ્બર, 2026

કોંગ્રેસને મળતાં દાનમાં 75 ટકા ઘટાડો

નવી દિલ્હી, તા. 8 : દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ માટે ચૂંટણી પરિણામોની સાથેસાથે હવે નાણાકીય મોરચે પણ કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત નબળા પડી રહેલા ચૂંટણી પ્રદર્શનની સીધી અસર હવે પાર્ટીને મળતા ફંડ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.  ચૂંટણીપંચ સમક્ષ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2025-26ના વાર્ષિક ફંડ રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે, જે મુજબ પાર્ટીના ફાંડિંગમાં આશરે 75 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટના આંકડા પ્રમાણે, વર્ષ 2024-25 દરમિયાન કોંગ્રેસને આશરે રૂા. 517.4 કરોડનું ફંડ પ્રાપ્ત થયું હતું, પરંતુ તેના આગામી વર્ષ 2025-26માં આ રકમમાં તીવ્ર ઘટાડો આવ્યો છે અને તે ઘટીને માત્ર રૂા. 130.7 કરોડ પર પહોંચી  ગઈ છે. આ નાણાકીય સંકટમાં રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2025-26માં મળેલું રૂા. 130.7 કરોડનું ફાંડિંગ વર્ષ 2023-24માં મળેલી રકમ કરતાં પણ આશરે 53 ટકા જેટલું ઓછું છે. કોંગ્રેસને મળતા મોટા ફંડમાં અગાઉ પ્રુડન્ટ ઇલેક્ટ્રલ ટ્રસ્ટનો સિંહફાળો રહ્યો હતો. વર્ષ 2024-25માં પાર્ટીને મળેલા કુલ ફંડમાં આ એક જ ટ્રસ્ટનો હિસ્સો 14.8 ટકા (આશરે રૂા. 216 કરોડ) હતો. જો કે, 2025-26ના વર્ષમાં આ ટ્રસ્ટે કોંગ્રેસને માત્ર રૂા. 25 કરોડ જ આપ્યા છે, જે અગાઉના વર્ષની સરખામણીએ માત્ર 11.5 ટકા જ થાય છે. આ વર્ષે કુલ મળેલા ફંડમાં આ ટ્રસ્ટનો ફાળો 19 ટકા જેટલો રહ્યો છે. વર્ષ 2024-25માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, જેથી રાજકીય પક્ષોને મળતા ફંડમાં મોટાં પ્રમાણમાં વધારો થવો સ્વાભાવિક હતો, પરંતુ લોકસભા ચૂંટણીઓ પૂરી થયા બાદ 20,000 રૂપિયાથી વધુના ડોનેશનમાં 75 ટકાનો જંગી કડાકો જોવા મળ્યો છે. માત્ર નવ વ્યક્તિ અને કંપનીઓ જ એવી હતી જેમણે રૂા. એક કરોડ કે તેથી વધુનું ફંડ આપ્યું હતું, જેની કુલ રકમ આશરે રૂા. 43 કરોડ થાય છે. આની સામે રૂા. પાંચ લાખ કે તેથી ઓછી રકમના કુલ 1,321 નાના ફંડ મળ્યાં હતાં. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે, કોંગ્રેસનું મોટા ભાગનું ફાંડિંગ ગણતરીના મોટા દાતાઓ પર જ નિર્ભર રહ્યું છે અને હવે જ્યારે કોર્પોરેટ્સ હાથ ખેંચી રહ્યા છે ત્યારે પાર્ટી સામે આર્થિક કટોકટી ઘેરી બની રહી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd