ગુવાહાટી, તા. 29 : કેપ્ટન લોરા વુલફાર્ટની 169 રનની યાદગાર ઇનિંગ બાદ ઝડપી
બોલર મારિજાન કાપની પ વિકેટની મદદથી દ. આફ્રિકા ટીમ મહિલા વન ડે વિશ્વ કપના ફાઇનલમાં
પહેલીવાર પહોંચી છે. સેમિ ફાઇનલ મેચમાં દ. આફ્રિકા ટીમે 7 વિકેટે 319 રન ખડક્યાં હતા. જવાબમાં ઇંગ્લેન્ડ મહિલા ટીમ 42.3 ઓવરમાં 194 રને ઓલઆઉટ થઇ હતી. આફ્રિકી
કેપ્ટન લોરા વુલફાર્ટે મહિલા વિશ્વ કપ ઇતિહાસની ત્રીજી સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણીએ
143 દડામાં 20 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 169 રન કર્યાં હતા. વિશ્વ કપના
પ્રથમ લીગ મેચમાં ઇંગ્લેન્ડ સામે આફ્રિકી ટીમ ફકત 69 રનમાં ઢેર થઇ હતી અને હવે સેમિમાં તેનો હિસાબ ચૂકતે કરી ફાઇનલમાં
જગ્યા બનાવી છે. ઇંગ્લેન્ડની શરૂઆત જ ખરાબ રહી હતી અને 1 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન નેટ સિવર બ્રંટે 64 અને એલિસ કેપ્સીએ પ0 રનની ઈનિંગ રમી હતી. ડેનિયલ વેટના 34 રન હતા. બાકીની ઇંગ્લેન્ડ બેટર્સ
નિષ્ફળ રહી હતી. આફ્રિકા તરફથી કેપ્ટન લોરા અને તેજમિન બ્રિટસ વચ્ચે પહેલી વિકેટમાં
116 રનની ભાગીદારી થઇ હતી. બ્રિટસ
4પ રને આઉટ થઇ હતી. આફ્રિકાએ ઉપરાઉપરી 3 વિકેટ ગુમાવી હતી. આથી ઇંગ્લેન્ડની વાપસી
થઇ હતી. બાદમાં લોરા વુલફાર્ટના સાથમાં મારીજાન કાપ (42)એ ચોથી વિકેટમાં 72 રનની ભાગીદારી કરી હતી. આઠમા
નંબરની બેટર કલોઇ ટ્રાઇઓને 26 દડામાં 33 રનની અણનમ ઇનિંગ રમી આફ્રિકાનો
સ્કોર પ0 ઓવરમાં 319 રને પહોંચાડયો હતો. ઈંગ્લેન્ડ તરફથી સોફી એકલ્સટન 4 વિકેટ અને લોરેન બેલે 2 વિકેટ લીધી હતી. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    