મુંબઇ, તા. 21 : સૂર્યકુમાર યાદવ (73)ની અણનમ અર્ધસદી તેમજ ત્રણ-ત્રણ વિકેટ ખેરવનાર મિશેલ સેન્ટનર
અને જસપ્રીત બુમરાહની બળૂકી બોલિંગના બળે દિલ્હી કેપિટલ્સને 59 રને હાર આપી મુંબઇ ઇન્ડિયન્સ
પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની હતી. મુંબઇએ આપેલાં 181 રનના લક્ષ્ય સામે દિલ્હી માત્ર 121 રનમાં સમેટાઇ ગઇ હતી. લક્ષ્યવેધ
માટે મેદાન પર ઊતરેલી દિલ્હીની અડધોઅડધ ટીમે
65 રનમાં જ પેવેલિયનની વાટ પકડી
હતી. સુકાની ફાફ ડુ પ્લેસીસ (6) અને રાહુલ
(11) સહિતના ખેલાડીઓ ક્રીઝ પર ટકી શક્યા નહોતા. કેપિટલ્સ વતી સમીર રિઝવીએ 35 દડામાં છ ચોગ્ગા, એક છગ્ગા સાથે 39 રન કરી દાવને
ગતિ આપવા પ્રયાસ કર્યા હતા, પરંતુ 15મી ઓવરમાં સેન્ટનરનો શિકાર બની ગયો હતો.
એ સિવાય 11 દડામાં 3 ચોગ્ગા,
એક છગ્ગા સાથે 20 રન કરનાર વિપરજ નિગમ પણ સેન્ટનરને કેચ આપી બેઠો હતો. અગાઉ, નમન ધીર અને સૂર્યકુમાર યાદવની છેલ્લી બે ઓવરમાં
તડાફડીથી મુંબઇ ઇન્ડિયન્સ 20 ઓવરના અંતે પાંચ વિકેટે 180 રનનો સંગીન સ્કોર થયો હતો.
છેલ્લા 12 દડામાં આ જોડીએ 48 રન ઝૂડીને દિલ્હીની બોલિંગ
વેરવિખર કરી નાખી હતી. 360 ડિગ્રી બેટર
સૂર્યકુમાર યાદવ 43 દડામાં સાત
ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 73 રને અણનમ
રહ્યો હતો. નમન ધીરે ડેથ ઓવરમાં ફકત આઠ દડામાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 24 રનની અણનમ અને કેમિયો ઇનિંગ
રમી હતી. આ બંને વચ્ચે છઠ્ઠી વિકેટમાં માત્ર 21 દડામાં પ7 રનની અતૂટ
ભાગીદારી થઇ હતી. ટેસ્ટ સંન્યાસ લેનારા રોહિત શર્મા પાંચ રન જ કરી શકયો હતો. રિયાન
રિકલટને 18 દડામાં બે છગ્ગા સાથે 2પ અને વિલ જેકસે 13 દડામાં 21 રન કર્યાં હતા. તિલક વર્મા
27 રને આઉટ થયો હતો. કપ્તાન હાર્દિક
પંડયા ત્રણ રન જ કરી શકયો હતો. દિલ્હી તરફથી મુકેશકુમારે બે વિકેટ લીધી હતી. તેણે 19 ઓવરમાં 27 અને ચમીરાએ 20મી ઓવરમાં 21 રન લૂંટાવ્યા હતા. પ્લેઓફમાં
પહોંચવાના નિર્ણાયક મેચમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલ બહાર થયો હતો. તેનાં
સ્થાને ફાક ડૂ પ્લેસિસે દિલ્હીની કપ્તાની સંભાળી હતી. તેણે જણાવ્યું કે અક્ષર બે દિવસથી
બીમાર છે. આથી તેને આરામ અપાયો છે.