નવી દિલ્હી, તા. 20 : આઇપીએલ-2025ની આજે રમાયેલી 62મી મેચમાં યુવા બેટધર વૈભવ સૂર્યવંશીની
આકર્ષક અર્ધી સદી અને સંજુ સેમસનના ઝડપી 41 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે ચેન્નાઇ સુપર કિંગ્સને છ વિકેટે
હરાવી જીત સાથે સ્પર્ધામાંથી વિદાય લીધી હતી. ચેન્નાઇએ 20 ઓવરમાં આઠ વિકેટે 187 રન બનાવ્યા હતા. જેને રાજસ્થાને 18મી ઓવરના પહેલા દડે ચાર વિકેટ ગુમાવી આંબી
લઇ જીત પોતાના નામે કરી હતી. 188ના વિજયી
લક્ષ્ય માટે મેદાને આવેલી રાજસ્થાનને પહેલો ઝાટકો 37 રનના જુમલે યશસ્વી જયસ્વાલ (19 દડામાં 36) ના રૂપમાં
લાગ્યો હતો. જોકે, તે પછી વૈભવ
સૂર્યવંશી અને સંજુ સેમસને બેટ વડે બોલરોને હંફાવવાનું શરૂ કરતાં સ્કોરબોર્ડ ઝડપભેર
ફરવા લાગ્યું હતું. યુવા ખેલાડી વૈભવે ફરી આકર્ષક ફટકાબાજીથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
હતા. તેણે ચાર-ચાર ચોગ્ગા-છગ્ગા વડે 33 દડામાં 57 રન ઝૂડીને
સેમસન સાથે ટીમ માટે જીતનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. સેમસને 31 દડામાં 41 રન બનાવ્યા હતા. સેમસન અને
વૈભવની વિકેટ ત્રણ રનના અંતરમાં ગુમાવતાં ટીમની રન ઝડપ થોડી ધીમી પડી હતી. જોકે, ધ્રુવ જુરેન (12 દડામાં અણનમ 31) અને હેટમેયર (પાંચ દડામાં અણનમ
12)એ 18મી ઓવરના પહેલા દડે જ 188 રને પહોંચાડી ટીમને જીત અપાવી
હતી. ચેન્નાઇ તરફથી રવીચંદ્રન અશ્વિનને બે જ્યારે
અન્શુલ કમ્બોજ અને નૂર અહેમદને 1-1 વિકેટ મળી હતી. આ પહેલાં, રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સના
સમયાતંરે ખરતી વિકેટો વચ્ચે 20 ઓવરના અંતે 8 વિકેટે 187 રન થયા હતા.
બન્ને ટીમ પ્લેઓફની બહાર થઇ ચૂકી છે. સીએસકે તરફથી એક પણ બેટધર અર્ધસદી કરી શકયો ન
હતો. આયુષ મ્હાત્રેએ 43, ડેવાલ્ડ બ્રેવિસે
42 અને શિવમ દૂબેએ 39 રનની ઇનિંગ્સ રમી હતી. દિલ્હીના
ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ પર ધોનીના ચાહકો ઉમટી પડયા હતા. જો કે ધોની 17 દડામાં 16 રનની નિસ્તેજ ઇનિંગ રમી આઉટ
થયો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી યુધ્ધવીર સિંઘ અને આકાશ મધવાલે 3-3 વિકેટ લીધી હતી. ડવેન કોન્વે
10 અને ઉર્વિલ પટેલ ઝીરોમાં આઉટ
થયા પછી આયુષ મ્હાત્રે અને અશ્વિન (13) વચ્ચે ત્રીજી વિકેટમાં 24 દડામાં પ6 રનની ભાગીદારી
થઇ હતી. આયુષે 20 દડામાં 8 ચોગ્ગા-1 છગ્ગાથી 43 રનની ઇનિંગ્સ
રમી હતી. રવીન્દ્ર જાડેજા 1 રન જ કરી
શકયો હતો. બ્રાવિસે 2પ દડામાં
2 ચોગ્ગા-3 છગ્ગાથી 42 અને શિવમ
દુબેએ 32 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 39 રનની ઇનિંગ્સ
રમીને ચેન્નાઇની રન ગતિ વધારી હતી. ધોની 17 દડામાં 1 છગ્ગાથી 16 રને આઉટ થયો હતો. આથી સીએસકેના
8 વિકેટે 187 રન થયા હતા.