• શનિવાર, 28 નવેમ્બર, 2026

તલગાજરડામાં કચ્છી લોકસંગીતના સાધકને સંતવાણી એવોર્ડ અર્પણ

કાઠડા (તા.માંડવી), તા.27 : કચ્છની લોકસંગીત પરંપરા અને ભજન-સંતવાણી ક્ષેત્રે પાંચ દાયકાથી વધુ સમયથી સ્વર સાધના કરી રહેલા કચ્છના લોકપ્રિય કલાકાર દેવરાજ ગઢવી (નંઢો ડેરો)ને આ વર્ષે ચિત્રકૂટ તલગાજરડા ખાતે રામ કથાકાર મોરારિબાપુના હસ્તે પ્રતિષ્ઠિત `સંતવાણી એવોર્ડ' અર્પણ કરાયો હતો.મૂળ માંડવી તાલુકાના બાડા ગામના વતની અને હાલ માંડવીમાં સ્થાયી થયેલા દેવરાજ ગઢવીને મળેલું આ સન્માન કચ્છની લોકસંગીત પરંપરા અને કચ્છી અને ગુજરાતી ગાવાની ભાષાનાં ગૌરવરૂપ યોગદાનની કદર સમાન બની રહ્યું છે.માત્ર દસ વર્ષની નાની વયે ભજન ગાવાની શરૂઆત કરનારા દેવરાજ ગઢવીએ છેલ્લાં 50 વર્ષથી વધુ સમય દરમિયાન ભજન અને સંતવાણી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. કચ્છી અને સિંધી ભાષામાં અનેક ભજનોની પ્રસ્તુતિ સાથે `છલડો' અને `અચો પખી પરદેશીડા' સહિતની રચનાઓ દ્વારા તેઓ લોકપ્રિય બન્યા છે.ભજન-સંતવાણીની પરંપરાને જાળવી રાખવાની સાથે કચ્છની સમૃદ્ધ સંગીત વિરાસતને નવી ઓળખ અપાવવામાં તેમનું યોગદાન રહ્યું છે.`રાણો', `સુણી', `શશૈઈ', `ઘાતુ', `લીલા', `આશા' અને `કારાયડો' જેવાં કચ્છી સંગીતના વિવિધ ઢંગો અને રાગ-રાગિણીઓની પરંપરાને તેમણે પોતાની આગવી ગાયકીથી વધુ સમૃદ્ધ બનાવી છે.તલગાજરડા ખાતે મોરારિબાપુના હસ્તે મળેલાં આ સન્માન અંગે `કચ્છમિત્ર' સાથેની વાતચીતમાં દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે, `આ મારું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ સમગ્ર કચ્છવાસીઓની કચ્છી વાણી અને ભજનપ્રેમીઓનું સન્માન છે.તેમણે વધુમાં જણાવ્યું કે, હિંગરિયા, રાજડા ટેકરી, વજા ભગતની ઝૂંપડી કાઠડા, અબડા જામ અબડાસા સહિતનાં અનેક ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળોએ વર્ષોથી સ્વર સાધના કરવાની તક મળી છે, જે તેમના માટે ગૌરવ અને રાજીપાની બાબત છે.આ સન્માન બદલ તેમને કલ્યાણદાસજીબાપુ, અર્જુનનાથજીબાપુ, ચતુરાનંદગિરિબાપુ, ભગવતીધામનાં માતાજીઓ, અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ દેવરાજભાઈ ગઢવી, રામકૃષ્ણ કુટિર કાઠડાના વિરમબાપુ, ભજનાનંદી પાલુ ગઢવી સહિત અનેક સંતો-મહંતો, ભજનપ્રેમીઓ અને સમાજના અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, દેવરાજ ગઢવીને અગાઉ દહેરાદૂન ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં કચ્છ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી.આ ઉપરાંત ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, મોગલધામ ભગુડા દ્વારા `મોગલ છોરું એવોર્ડ', ગુજરાત ટૂરિઝમ અને સંસ્થા દ્વારા `કચ્છી કોહિનૂર'નું સન્માન તથા મોરારિબાપુ દ્વારા `સામત ગરાના ગાયક'નું બિરુદ પણ પ્રાપ્ત થયું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang