આ વર્ષે દૂધમાં સાતત્યપૂર્વક અને વારંવાર ભાવવધારાના ઊભરા આવ્યા
છે. નવેમ્બર મહિનાના દસેક દિવસમાં દેશભરની મુખ્ય સરકારી તથા ખાનગી ડેરીઓએ દૂધના લિટરદીઠ
ભાવમાં બે રૂપિયાથી લઈને છ રૂપિયા જેટલો વધારો ઝીંક્યો છે, એક અંદાજ મુજબ છેલ્લાં 12 વર્ષમાં દૂધના ભાવમાં 68 ટકા જેવો વધારો નોંધાયો છે.
સામાન્યપણે, શિયાળામાં દૂધની આવક વધતી
હોય છે, પણ અનિયમિત-અપૂરતા વરસાદને કારણે આ વખતે પશુચારો મોંઘો
થયો છે. વળી, પેકાજિંગ મટિરિયલ, કોલ્ડ સ્ટોરેજ
તથા ઈંધણના વધેલા ખર્ચનો બોજ પણ ખરો અને પશુપાલન પાછળ થતાં ખર્ચમાં વૃદ્ધિની ઝાળ દૂધના
ભાવને લાગી છે. દૂધ દરેક ઘરમાં અનિવાર્ય અને આવશ્યક વસ્તુ હોવાથી તેના દરોમાં થતો વધારો
નાગરિકો મૂગાં મોઢે સહન કરી લેતા હોય છે. ચિંતાની વાત એ છે કે, દૂધના વધી રહેલા ભાવ ઓછા થવાનાં પણ કોઈ એંધાણ નથી અને આગામી એપ્રિલ-મે સુધીમાં
લિટરદીઠ સો રૂપિયા સુધી જવાની શક્યતા પણ વર્તાવાઈ રહી છે. આમ છતાં, દૂધના ભાવવધારાનો સીધો લાભ ખેડૂતોને કે પશુપાલકોને મળતો નથી, એ વાસ્તવિકતા છે. પહેલા વર્ષે એકાદવાર
દૂધના ભાવમાં વધારો થતો અને લોકો પણ તે ચલાવી લેતા. અમૂલનો જ દાખલો લઈએ, તો 2024ના જૂન મહિનામાં
અમૂલે દૂધના દરમાં બે રૂપિયાનો વધારો કર્યા પછી છેક 2025ના મે મહિનામાં ફરી દરમાં વૃદ્ધિ
કરી હતી. જો કે, 2024 પહેલાંનો વધારો ફેબ્રુઆરી,
2023માં આવ્યો હતો. 2026માં મે અને નવેમ્બર આ ગાળમાં
બેવાર વધારો થયો છે અને મહારાષ્ટ્રની કેટલીક સહકારી ડેરીઓના ભાવ તો વિવિધ તબક્કે ત્રણવાર
વધ્યા છે. ખાદ્યસામગ્રીમાં ભેળસેળ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટી (એફડીએ)એ શરૂ કરેલી
કાર્યવાહીને પગલે તથા ખાસ તો એનોલોગ પનીર પર મુકાયેલા પ્રતિબંધને કારણે પનીર બનાવવા
માટે દૂધની માંગ વધી છે, એવું એક કારણ
આગળ કરાઈ રહ્યું છે. દૂધના વધતા દરોની અસર મધ્યમવર્ગીય ઘરો પર સૌથી વધુ થવાની શક્યતા
રહે છે, એ જોતાં આ દિશામાં સમયસર પગલાં નહીં લેવાય, તો ઉનાળો આવે ત્યાં સુધીમાં તો ભાવવધારાનો તાપ ઓર વધી જશે.