ગાંધીધામ, તા.27 : રાપર તાલુકાના બાદરગઢ ગામના પાટીયા નજીક આવેલા
વિથરેશ્વર મંદિરમાં ઘુસી નિશાચરોએ રૂા.48,000ના આભુષણોની ચોરી કરી હતી.ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.બાદરગઢ
ગામના પાટીયા નજીક આવેલા વિથરેશ્વર મહાદેવમાં ગત તા.25-11થી તા.
26-11ના સવારે 6 વાગ્યા દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો.મંદિરમાં
સેવા પૂજા કરતા ગામના રણછોડભાઇ હાથિયાણી (પટેલ) ગત તા.25-11નાં સાંજે સેવા પૂજા કરી રાત્રે મંદિરનો દરવાજો
બંધ કરી પોતાના ઘરે ગયા હતા.ત્યારે શિવલિંગ ઉપરના આભુષણો હાજર હતા.બીજા દિવસે વહેલી
સવારે આ પૂજારી સેવા પૂજા કરવા આવતા શિવલિંગ પરના આભુષણો દેખાયા નહોતા.દરમ્યાન કર્મકાંડ
કરી તથા મંદિરનું સંચાલન કરતા ફરિયાદી નયન અશોક પંડયા અન્ય મિત્રો સાથે સવારે મંદિરે
આવતા પૂજારીએ તેમને વાત કરી હતી.બનાવની રાત્રે નિશાચરો આ મંદિરમાં ઘુસ્યા હતો અને
શિવલિંગ પરથી પંચધાતુની (જર્મનસિલ્વર) છત્તર જેની ઉપર ઓમ, સાખિયાનું નિશાન હતું તે બે
કિલો તથા છત્તરની નીચે લગાવેલ 1 કિલોની પંચાધાતુની (જર્મનસિલ્વર) જલધાર જેમાં પણ ઓમ, સાખિયાનું નિશાન હતું તે એમ
કુલ રૂા.48,000ના
આભુષણોની ચોરી કરીને નાસી ગયા હતા.મંદિરમાંથી ચોરીના બનાવને પગલે શ્રદ્ધાળુઓમાં રોષ
સાથે ચિંતાની લાગણી પ્રસરી હતી.પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા આગળની
તપાસ હાથ ધરી છે.