અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 6 : `ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન' એવું પણ કહી શકાય તેમ નથી... એરંડો પણ નથી પાકી
શક્યો પૂરેપૂરો... વરસાદી વહાલ વિના રણપ્રદેશની કોરીધાકોર જમીન જોતાં જ ખેડૂતની આંખોના
ચારેય ખૂણા ભીના થઇ જાય છે... ખુદ સરકારે પણ કિસાનો માટે કપરો કાળ આવ્યો હોવાનું કબૂલીને
આપણાં કચ્છને અછતગ્રસ્ત જાહેર કરી નાખ્યું છે. દુકાળના દર્દથી દાઝેલા કિસાનોમાં અછતની
અકળામણ વચ્ચે ઉત્સવની ઉજવણીનો ઉમંગ ક્યાંથી હોય...? અબડાસા,
લખપત અને બીજીબાજુ પાવરપટ્ટીથી પ્રાંથળ પંથક સુધી દિવાળીને દુકાળના દર્દનું
ગ્રહણ લાગ્યું હોવાની હૈયાવરાળ કિસાનોએ `કચ્છમિત્ર' સમક્ષ
ઠાલવી છે. વરસાદી વ્હાલ વિના વરસ નબળું જતાં વાડી-ખેતર અને ખિસ્સા કાલી છે ત્યારે પ્રકાશ
પર્વ પર કચ્છના ખેડૂતો આવનારા વર્ષે અછતના અંધારા ઉલેચાય તેવી પ્રાર્થના કરી રહ્યા
છે. ચારા અને પાણી વિના અસ્તિત્વ ટકાવવાની અગ્નિપરીક્ષા આપી રહેલા કિસાનો અને પશુપાલક
પરિવારોએ પોતાના ઘરબાર છોડીને ભારે હૈયે હિજરત પણ કરવા માંડી છે. ખેડૂતો માટે દિવાળી
તારીખિયાંમાં આવીને ચાલી જતી એક તારીખની જેમ બની રહેશે. દિવાળી એ ખેતીમાં પાક લણવાનો
લહાવો લેવાના વણજોયા મુહૂર્ત જેવો સમય છે, પરંતુ કિસાનના કમનસીબ
કે આ વખતે આ મુહૂર્ત શકન પૂરતું પણ સચવાઇ શક્યું નથી.તલ, બાજરો,
મગ, જુવાર જેવા પાકો લણીને ઘરે લાવવાનો રાજીપો
અને પછી બજારમાં જાય, તેની ખુશીમાં જ ખેડૂત માટે દિવાળીની સાચી
ઉજવણી સમાયેલી છે, પરંતુ તેવી તહેવારી અનુકૂળતા કુદરતે છીનવી
લીધી હોવાથી ખેડૂત પણ બજાર સુધી પહોંચીને ચાર ચીજો ખરીદીને ઉત્સવ ઊજવી શકવાની સ્થિતિમાં
નથી.કચ્છના 70 ટકાથી વધુ
ભૂભાગ પર વરસાદી વહાલના ભરોસે સૂકી ખેતી કરતા ખેડૂતો, કાર્યકરો, કૃષિચિંતકો,
કિસાન સંઘના મોવડીઓ એકી અવાજે કહી રહ્યા છે કે, આ વખતે ખેડૂતોની દિવાળીને દુકાળનું ગ્રહણ લાગ્યું છે. - શિયાળુ પાક પણ કપરા : રાપર તાલુકાના બાલાસરના કિસાન સામતભાઇ ચાડ
દર્દભર્યા સ્વરે કહે છે કે, `રાપર રાજી'ની વાતો થાય છે, પરંતુ
ઉત્તરે ખડીર-ધોળાવીરા તરફનો પ્રાંથળ પંથક મોટાભાગે કોરો રહી ગયો છે. રામમોલ થોડોઘણો
થયો પરંતુ ધાર્યા પાણી નહીં મળતાં ખર્ચના ખાડા પુરાય તો પણ ઉપરવાળાનો ઉપકાર. દિવાળી
તો કપરી છે જ... પરંતુ નવા વરસમાં આવનારો સમય પણ કિસાનોની કસોટી કરનારો બની રહેશે.
જ્યાં છે ત્યાં પણ તળાવ, ડેમના તળિયા દેખાઇ રહ્યા છે ત્યારે પાણીના
પોષણ વિના શિયાળુ પાક પણ માંડ 15થી 20 ટકા થશે...
- પ્રાંથળમાંથી હિજરત થાય : રાપર તાલુકામાં
જ વ્રજવાણી પાસે આવેલા આણંદપર ગામના `કિસાન' સરપંચ
રાજેશ મકવાણા કહે છે કે, નબળા ચોમાસાનાં કારણે પોંખેલા પાકો પાકી
શક્યા નથી. અમારા પંથકમાં નર્મદા પણ નથી પહોંચી એટલે શિયાળુ વાવેતર પણ નહીં થઈ શકે.
ધંધા-રોજગાર-ઉદ્યોગો પણ આ પંથકમાં ન હોવાથી
મજૂરી માટે ખેડૂત-પશુપાલક પરિવારોને પોતાના ઘરબાર છોડીને હિજરત કરવી પડશે. - વળતર મજાક સમાન : ભારતીય કિસાન સંઘના કચ્છ વિભાગના મોવડી
શિવજીભાઇ બરાડિયા કહે છે કે, સરકારે
કરેલી 17 હજાર રૂપિયાની જાહેરાત ખેડૂતોની
મજાક સમાન છે. ડીઝલના ખર્ચ પણ નહીં નીકળે. સૂકી ખેતીમાંથી તો કોઇ આવકનો સવાલ જ નથી, પણ પિયતમાંયે ફાલ માંડ 25થી 30 ટકા થયો છે. આમ, આ વખતનો ઉત્સવ ખેડૂતો માટે કાળી દિવાળી જેવો જશે. `સાત્ત્વિક' સંસ્થાની યુવા કાર્યકર નંદની ચાડ કહે છે કે,
લણ્યા પછી મજૂરી પણ નહીં છૂટે તેવું લાગે તો આવો પાક વાઢ્યા વગર ગાયોને
ચરાવી દેવાય છે. ખેડૂત એવું વિચારીને મનને મનાવી લે છે કે આ વખતે પણ પૈસા નહીં તો પુણ્ય
કમાઇ દેશે. - સૂકી ખેતી
સૂકી જ રહી... : સૂકી ખેતી
સૂકી જ રહી ગઇ. આ વખતે જુવાર, મગ,
ગુવાર વાઢવાની મજૂરી પણ નહીં છૂટે; તેવું કહેતાં
પાવરપટ્ટી પંથકના ખેંગારપરના ખેડૂત સરપંચ વિનોદ આહીર કહે છે કે, બીજ-ખેડના ખર્ચ પણ તૂટયા છે. પશુઓને ચારા વિના ભૂખ્યાં જોઇને અમારી આંખે આંસુ
આવી જાય છે. એરંડાનો પાક સાવ નિષ્ફળ ગયો. હજુ એકાદ વરસાદ થઇ ગયો હોત તો ખર્ચના ખાડા
પુરાત. પાવરપટ્ટીનાં જ ધરમપુરના પીઢ કિસાન અગ્રણી પાંચાભાઇ આહીર કહે છે કે,
રામમોલ વાવનારને રડવાના દિવસો છે. બાર મહિના કાઢવા કપરા થઇ પડશે. તહેવાર
માત્ર તારીખિયાંમાં આવતી તિથિ, તારીખ પૂરતો જ છે આ વખતે તો. ચોપાં
માટે ચારો નથી, એ વાતનું
દુ:ખ શબ્દોમાં કહી શકાય તેમ નથી. બાકી ખુશીનો તહેવાર છે. એટલે કુટુંબ મેળો કરી સૂકો
રોટલો પણ સાથે બેસીને ખાઇને ઉજવણી તો કરશું જ. અમારે તો ગામ આખું કુટુંબ છે,
તેવું 71 વર્ષીય પાંચાભાઇ
કહે છે. ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રહી ચૂકેલા પીઢ કિસાન અગ્રણી વેલજી ભૂડિયા કહે
છે કે, ભૂખી ધરતીને ધરવ નથી થતો તો ધરતીપુત્રને ધરવ
ક્યાંથી ? શિયાળુ પાકને પણ સવાર સાંજ ભેજ અને ઝાકળની જરૂર છે,
પણ અત્યારે હવામાન સૂકું છે. એટલે દિવાળી પછીયે સમય કપરો છે. - અબડાસા, લખપત સૂકાં : સૂકી ખેતી કરતા ખેડૂતો માટે સમર્પિત ભાવે
વાડી-ખેતરના ખૂણેખૂણા ખૂંદી વળતા કચ્છ ઘાસચારા, ફળઝાડ અને જંગલ વિકાસ ટ્રસ્ટના યુવા કાર્યકર રાજુભાઇ ચાવડા કહે છે કે,
ધાન અને ધણની ધનતેરસના પૂજા કરાય છે. આ બંનેની આ વખતે ગેરહાજરી છે. નગા,
બિટ્ટા વલાડિયામાં ક્યાંક થયેલા જુવારના ફાલને બાદ કરતાં અબડાસા,
લખપતના સૂકાં ખેતરો જોઇને આંખો ભીની થઇ જાય ભલા. - ખર્ચા ટાળીને દિવાળી ઊજવશું : વાડી-ખેતર-ખિસ્સાં
ખાલી હશે ભલે, પરંતુ નવાં વર્ષમાં સુખનો
સૂરજ ઊગશે તેવી આશાથી અમારાં મન ભરેલાં છે તેવું પાવરપટ્ટી પંથકના વડીલ ખેડૂતો કહી
રહ્યા છે. સૂકી ખેતીના હિતને સમર્પિત સંસ્થા `સાત્ત્વિક'ના વિચારશીલ કાર્યકર પ્રવીણભાઇ મૂછડિયા કહે છે
કે, આ વિકટ સ્થિતિ શિક્ષકની ભૂમિકા ભજવે છે. બિનજરૂરી ખર્ચ ન
કરી, બચત કરતાં શીખવશે. આ શીખમાં જ પ્રકાશ પર્વની સાચી ઉજવણી
સમાયેલી છે. ખેડૂતો માટે દિવાળીમાં રાજી થવા જેવું વરસ ભલે આ વખતે નથી, પરંતુ આવતાં વર્ષે કુદરત કૃપા કરી, રામમોલ લહેરાવશે તેવી
આશા ખેડૂતોએ આંખે આંજી છે.