માંડવી, તા. 5 : પવિત્ર શ્રાવણ માસનું અંતિમ
સપ્તાહ, નાની રવાડીનો માહોલ અને `વીક એન્ડ'ની રજાઓને પરિણામે આ બંદરીય શહેરનો લોભામણો દરિયા
કિનારો મહેરામણ મોજાંઓની સમાંતરે બહોળા પ્રમાણમાં સહેલાણીઓના ધસારાના પરિણામે માનવ
મોજાંઓથી છલકાઇ જતાં ઠેર ઠેર ભીડ અને ટ્રાફિક જામના દૃશ્યો ખડા થયા હતાં. બાયપાસ હજી
વાટ જોવડાવી રહ્યો હોવાથી એ પીડા વધુ એકવાર સહેવાનો વારો પ્રવાસીઓ અને નાગરિકોએ ભોગવવાની
નોબત વાગી હતી. તીર્થસ્થળો, શિવાલયો અને મેળાઓ થકી તાલુકા અને
સમગ્ર કચ્છમાં પ્રવાસીઓ માટે લાડકું નગર મનાતાં શહેરમાં નંદોત્સવની ખુશાલીમાં યોજાતી
નાની-મોટી રવાડીઓના માહોલમાં શનિ-રવિની રજાઓ જોડાતાં રમણીય સાગર કિનારાએ ચૂંબકીય બળની
જેમ પ્રવાસીઓ, સહેલાણીઓ, આસ્થાળુઓને આકર્ષતા
ખાણી-પીણીના ધંધાર્થીઓ ઉપરાંત વીન્ડ ફાર્મ બીચ ખાતે રાઇડસ, ઘોડા-ઊંટ
સવારીઓવાળા, કિનારે રોજી મેળવનારાઓ મોજમા આવી ગયા હતા. વરસાદે
હાથતાળી દીધી હોવા છતાં દરિયાઇ હવાના મનોરમ્ય માહોલે આકર્ષણ બરકરાર રાખ્યું હતું. બપોર
પછી વાહનોનો ધસારો વધતો જતો હોવાથી કિનારે વિસ્તારમાં વાહન પાર્કિંગનો પડકાર ખડો થયો
હતો. શહેરમાં પ્રવેશવા માટે હજુ નિર્માર્ણાધીન બાયપાસ લોકાર્પિત નહીં થવાથી એકમાત્ર
પૂલ-નલિયા રોડનું ગજું ટૂંકું પડતાં ટ્રાફિકની
સમસ્યા લમણે લખાઇ હતી. શ્રાવણનું આખણી ચરણ-સપ્તાહ હોવાથી શિવભક્તો, આસ્થાળુઓ સાથે સહેલાણીઓનો પ્રવાહ તીર્થસ્થાનો તરફ ફંટાતા જાહેર માર્ગો ઉપર
ખાવા-પીવાની લારીઓ, ફાસ્ટ ફૂડ, ફરાળી વાનગીઓ
વગેરેની ઘરાકીએ નબળા વર્ષમાં મહદઅંશે ધંધાર્થીઓના ચહેરા ઉપર ચમક પાથરી હતી. દરમ્યાન
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આ વર્ષાંત સુધીમાં બાયપાસ કાર્યરત થઇ જાય એવાં એંધાણ મળ્યાં
હતાં. તળાવવાળા નાકાથી ગત વર્ષથી, પોસ્ટ ઓફિસવાળા રોડ ઉપર મેળાનો
માહોલ જામી રહ્યો છે.