ગાંધીધામ, તા. 5 : છેલ્લા લાંબા સમયથી સાયબર ક્રાઈમના
વધતા જતા બનાવો વચ્ચે અંજાર તાલુકાના વરસામેડીના યુવાનનો મોબાઈલ ફોન હેક
કરી ભેજબાજોએ રૂા. 2.28 લાખ ની ઉઠાંતરી કરી હોવાના વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. અંજારના યુવાન
સાથે પણ આજ પ્રકારે 2.07 લાખની ઓનલાઈન
છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. વરસામેડી સીમમાં
અંબાજી-ચાર માં રહેતા અને વેલસ્પન કંપનીમાં ટેકનીશિયન તરીકે કામ કરતા ફરીયાદી પ્રવલ
પ્રતાપસિંહ અરૂણકુમાર સાથે સાયબર ક્રાઈમનો બનાવ બન્યો હતો. પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે ફરીયાદી
પોતાના સ્થળે કેન્ટીંગમાં જમ્યા બાદ પ્લાન્ટ ઉપર હતા તે સમયે અચાનક તેમને પોતાના મોબાઈલ
નંબર ઉપર ઘણા બધા ઓટીપી આવ્યા હતા. અને થોડી વારમાં ખાતામાંથી જુદા-જુદા ત્રણ વ્યવહાર સાથે કુલ રૂા.2,28,606 કપાયા હતા. આ બનાવ ગત
તા.28/8 ના બપોરે 3.30 થી 4 વાગ્યા સુધીના અરસામાં બન્યો હતો. અજાણ્યા
આરોપી ફરીયાદીનો મોબાઈલ ફોન હેક કરીને ગુન્હો
આચરર્યો હોવાનુ ફરીયાદમાં વર્ણવામાં આવ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધાપાત્ર છે કે સાયબર પોલીસ ધ્વારા વારંવાર અજાણ્યા નંબર ઉપર થી આવતી લીન્ક ન ખોલવા
તેમજ કોઈ પણ પ્રકારની લોભામણી પ્રલોભનમાં ન આવવા સહિતના મુદે લોકોને જાગૃત કર્યા છે.લોકોની
જાગૃતતાના અભાવે સાયબર ગઠીયા પોતાના ઈરાદા પાર પાડવામાં સફળ બનતા હોવાનુ ચિત્ર ઉપસ્યુ
છે. અંજારના યુવાન સાથે પણ આ જ પ્રકારે ઓનલાઈન છેતરપીંડીનો બનાવ બન્યો હતો. શહેરના ચિત્રકુટ સોસાયટી 01માં મકાન નં.138 ઉપર રહેતા અને માનવ હોટલમાં
કામ કરતા રવિકુમાર જીવરામભાઈ ખોડીયારે અજાણ્યા આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.
પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે અજાણ્યા આરોપીએ ફરીયાદીનો કોઈ પ્રકારે
મોબાઈલ હેક કરીને ગત તા.21/8 થી તા.23/8 સુધીના અરસામાં
તેમના બેન્કમાંથી જુદા-જુદા છ વ્યવહાર કરીને અન્ય ખાતામાં કુલ રૂા. 2,07,297 જાણબહાર ઉપાડીને છેતરપીંડીના
ગુન્હાને અંજામ આપ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.