• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

રામમંદિરના પ્રથમ સીઈઓ સામે પડકારભરી જવાબદારી

દેશ વિદેશના કરોડો હિન્દુની આસ્થા સાથે અતૂટ નાતો ધરાવતા અયોધ્યાનાં રામમંદિરના પ્રથમ મુખ્ય કારોબારી અધિકારી (સીઈઓ) તરીકે નિવૃત્ત એરમાર્શલ જિતેન્દ્ર મિશ્રાની વરણીએ આ મંદિરના ટ્રસ્ટના વહીવટમાં વધુ પારદર્શકતા અને દર્શનાર્થીઓની વધુ સુવિધા, સલામતી, સ્વચ્છતા અને ભીડનાં વ્યવસ્થાપન વધુ ધ્યાન અપાશે એવી અપેક્ષા જાગી છે. લાંબા સમયથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વહીવટને વધુ લોકભોગ્ય બનાવવા મંથન થઈ રહ્યંy હતું, તેના અનુસંધાનમાં બુધવારે મળેલી ટ્રસ્ટની બેઠકમાં સીઈઓ તરીકે એરમાર્શલ મિશ્રાનાં નામની ઉપર સ્વીકૃતિની મહોર લાગી હતી.  ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટમાં આવતા દાન અને કિંમતી ભેટમાં ભારે ગોટાળાની વિગતો આવી હતી.  દાનપેટીની રકમથી માંડીને કિંમતી ભેટોની કહેવાતી ચોરીના આરોપો તળે અમુક લોકોને મંદિરને લગતી કામગીરીમાંથી પાણીચુ અપાયું હતું અને ઉત્તરપ્રદેશ પોલીસે આખા મામલમાં ખાસ તપાસ સમિતિ પણ રચી હતી, પરંતુ આ પ્રકરણને લીધે ભારે ઉહાપોહ થતા શ્રદ્ધાળુઓના મંદિરનાં વ્યવસ્થાપન પર ભરોસો ડગી ગયો હતો.  આ પ્રકરણે મંદિરના વહીવટને વધુ પારદર્શક અને વ્યવસાયિક અભિગમ આપવાની અનિવાર્યતા છતી કરી હતી. આમે પણ રામમંદિરમાં દર્શનાર્થીઅનો સંખ્યા દિવસે દિવસ વધી રહી છે, તે જોતાં આ સંકુલની સુવિધાઓને વધારવાની જરૂરત સતત સામે આવતી રહી છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રથમ સીઈઓની નિયુક્તિ કરાઈ છે.  એરમાર્શલ મિશ્રાએ વાયુદળમાં તેમના કાર્યકાળ દરમ્યાન ઓપરેશન સિંદૂર સમયે ચાવીરૂપ પશ્ચિમી એરકમાન્ડનું નેતૃત્વ સંભાળ્યું હતું.  તેમની પાસે સશત્ર દળોના શિસ્ત અને વહીવટનો બહોળો અનુભવ છે,પણ વાયુદળની સિસ્ટમ અને ધર્મસ્થળનો વહીવટ સાવ અલગ બાબત છે.  એક તરફ શિસ્તબદ્ધ ફોજના નિયમોને લીધે તેનું નેતૃત્વ સરળ બની રહેતું હોય છે, પણ રામમંદિર જેવા મહત્ત્વનાં ધર્મસ્થળે રોજ ઊમટતા હજારો  શ્રદ્ધાળુની સુવિધા અને સલામતીના નિયમની વ્યવસ્થા વધુ પડકારભરી બની રહેશે. નવા સીઈઓની સામે સંખ્યાબંધ પડકારભરી જવાબદારીઓ રહેશે.  ખાસ તો ટ્રસ્ટમાં દાનની રકમ અને વસ્તુઓની સલામતીની પુરતી વ્યવસ્થા કરવાની રહેશે.  તાકીદે આ માટે દેખરેખ માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે ભરોસાપાત્ર કર્મચારીઓની સામેલગીરીનો સમનવય અનિવાર્ય બની રહેશે.રામમંદિર ટ્રસ્ટની સામે બીજો મોટો પડકાર વધતી જતી ભીડનાં વ્યવસ્થાપનની છે.  રોજના દર્શનાર્થીઓ અને ખાસ તહેવારોએ ઊમટતા લાખો બીજા શ્રદ્ધાળુની માટે યોગ્ય આવન-જાવનના માર્ગ, લાઈન, સલામતી, આરોગ્યની તાકીદની સુવિધા, પીવાનું શુદ્ધ પાણી અને ટ્રાફિકનાં વ્યવસ્થાપન માટે નક્કર યોજના ઊભી કરીને તેના અમલ માટે તાલીમબદ્ધ કર્મચારીઓની તૈનાત પર હવે ખાસ ધ્યાન અપાવાની જરૂરત રહેશે.  ટ્રસ્ટે હવે સમજી લેવાની જરૂરત છે કે, મંદિરની ભવ્યતા અને શ્રદ્ધાની સાથોસાથ તેના વહીવટની પુરતી વ્યવસ્થા પણ એટલી અનિવાર્ય છે. 

Panchang

dd