ભુજ તા. 5 : સમગ્ર કચ્છમાં
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈ ગોકુળ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો, ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હજારો
હરિભક્તની ઉપસ્થિતિમાં બરોબર રાત્રિના 12ના ટકોરે બાળ શ્રીકૃષ્ણનું પ્રાગ્ટય થતાં `જય કનૈયાલાલ કી'ના નાદથી સમગ્ર ભુજ મંદિર ગુંજી ઊઠયું હતું.
મંદિરના મહંત સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે પ્રાગટયની આરતી કરવામાં આવી હતી,
ત્યારે હજારોની સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા અને આરતીનો લાભ લીધો
હતો. બાદમાં બાળ શ્રીકૃષ્ણને સોનાનાં પારણે ઝૂલાવવામાં આવ્યા હતા, વરિષ્ઠ સંતો, સાંખ્યયોગી બહેનો હાજર રહ્યા હતા. પ્રાગટય
પૂર્વે જગતપાવન દાસજી, મુકુંદજીવન દાસજી, રામસ્વરૂપ દાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશ દાસજી, કોઠારી સ્વામી
નારાયણ-મુનિદાસજી, કોઠારી સ્વામી દેવવિહારીદાસજી વિગેરે સંતોએ
ધૂનની રમઝટ બોલાવી હતી. બાદમાં કીર્તનો સાથે બાળ શ્રીકૃષ્ણના પ્રાગટયના વધામણા કરાયાં
હતાં, ત્યારે હૈયે હૈયું દળાય એટલી જનમેદની ઊમટી પડી હતી. બાદમાં
મંદિર પરિસરમાં કીર્તનોની રમઝટ વચ્ચે મટકીફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,
જેમાં કચ્છ નરનારાયણ યુવક મંડળના યુવાનોએ વારાફરથી ત્રણ જેટલી મટકી ફોડીને
દહીંહાંડી ઉત્સવની ઉજવણી કરી હતી, ત્યારે પણ બહોળી સંખ્યામાં
લોકો હાજર રહ્યા હતા. મંદિર દ્વારા સર્વે હરિભક્તોને પંજરી અને પંચામૃતનો પ્રસાદ વિતરિત
કરાયો હતો. વ્યવસ્થા કચ્છ નરનારાયણ દેવ યુવક-યુવતી અને મહિલા મંડળે સંભાળી હતી.