• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

વિદ્યાર્થીનાં ભવિષ્યનાં હિતમાં સુપ્રીમનો ચુકાદો

સર્વોચ્ચ અદાલતે મંગળવારે એક મહત્ત્વના ચુકાદામાં નીટ યુજી આંદોલનનાં પ્રકરણમાં હજારો વિદ્યાર્થી દેખાવકારોની સામેની પોલીસ ફરિયાદોને રદ જાહેર કરી છે. 20થી 2પમી જુલાઈ વચ્ચે રાજધાની દિલ્હીના જંતરમંતર અને દેશના અન્ય ભાગોમાં થયેલા આંદોલન અને દેખાવોમાં ભાગ લેનારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓને અદાલતના આ આદેશથી ભારે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 તળે મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરીને અલગ અલગ એફઆઈઆરે રદ કરી છે, તેની સાથોસાથ એવો આદેશ પણ કર્યો છે કે, હવે પછી આ સમયગાળા દરમ્યાન દેખાવોના સંદર્ભમાં નવી કોઈ એફઆઈઆર દાખલ કરવી નહીં. અદાલતના આ આદેશે બતાવી આપ્યું છે કે, કાયદો પણ માનવી સંવેદના ધરાવે છે. ખાસ તો પેપર લીક થવાની અથવા ગેરરીતિ થવાની આશંકાથી વિદ્યાર્થીઓનો ભરોસો ડગી જતો હોય છે. તેવામાં વિરોધની લાગણી કરતી વેળાએ થયેલા દેખાવો બદલ પોલીસ ફરિયાદ થાય તો તેમનું ભવિષ્ય જોખમાઈ જતું હોય છે. અદાલતે જો કે ગુનાહિત ભૂતકાળ ધરાવતા 2873 દેખાવકાર સામે નવેસરથી ફોજદારી ગુનો નોંધવાની અદાલતે છુટ આપીને એવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે,આંદોલનની આડમાં કાયદો તોડવવાવાળાને કોઈ રક્ષણ આપી શકાય નહીં. કોઈ પણ લોકશાહી અધિકાર અરાજક્તાનો પરવાનો હોઈ શકે નહીં એ અદાલતે દેશને બતાવી આપ્યું છે. અદાલતના ચુકાદાએ સ્પષ્ટ કર્યુ છે કે, શાંતિપૂર્વકના વિરોધ અને હિંસા કે તોડફોડ વચ્ચે ફરક હોવો જોઈએ. અદાલતે નીટના પેપર લીકને પગલે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને વળતર આપાવાના મુદ્દે પણ સરકારે સૂચના આપીને પોતાની સંવેદનશીલતાનો વધુ એક વખત પરચો આપ્યો છે. સરકારે આ મામલે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ની સાથે થયેલી સમજૂતીના મુદ્દાના અમલ માટે કમર કસી છે. અદાલત અને સરકારના વલણને જોઈને સીજેપીએ આગામી પાંચમી સપ્ટેમ્બરની તેન ઈન્ડિયા ગેટની તેની કૂચ હવે રદ કરીને સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. હવે જ્યારે આદોલનનો મામલો થાળે પડી ગયો છે, ત્યારે સરકારે હવે નીટ સહિતની સ્પર્ઘાત્મક પરીક્ષાની વિશ્વસનીયતા ફરી બહાલ કરવાના નક્કર પગલાં લેવા પર ધ્યાન આપવાની ખાસ જરૂરત રહેશે. પરીક્ષા વ્યવસ્થા પારદર્શક અને વ્યવસ્થિત હોય, તો વિદ્યાર્થીઓને ન્યાય માટે આંદોલનનો માર્ગ લેવાની ફરજ પડે નહીં. હાલની તકે તો વિદ્યાર્થીઓને પ્રતિતિ થઈ છે કે તેમની સમસ્યાના ઉકેલ પર હવે ધ્યાન અપાશે. સરકારે હવે એ સમજવાની ખાસ જરૂરત રહેશે કે પરીક્ષા આપનારા કોઈ એકલ દોકલ યુવા વિદ્યાર્થી નહીં, પણ દેશના ભવિષ્ય છે. તેમની મહેનત ખરા અર્થમાં રંગ લાવે, તો સરકાર પરનો તેમનો ભરોસો પણ મજબૂત થઈ શકશે. સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલો ચુકાદો આમ તો નીટની સંદર્ભના આંદોલનો પુરતો સિમિત છે, પણ તેમાં જણાવયેલી બાબતો સરકાર અને આવા આંદોલનકારીઓ માટે ભવિષ્યની સ્પષ્ટતા સમાન બની રહેશે.

Panchang

dd