જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા (તા. માંડવી), તા. 3 : તાલુકાના
ભેરૈયા અને રાજપર ગામની સમીપે વાડી વિસ્તારમાં આવેલાં અને અંદાજિત 450 વર્ષથી પણ પૌરાણિક શિવાલય બિલેશ્વર
મહાદેવ મંદિરનું સમગ્ર ગઢશીશા પંથકના ભાવિકોમાં અનોખું મહાત્મ્ય છે અને અહીં હંમેશાં
શિવ મંદિરે ભક્તોની સતત અવર-જવર રહે છે અને ભક્તોની સુખાકારી માટે અહીં તમામ પ્રાથમિક
સુવિધાનું આયોજન બિલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. છેલ્લી કેટલીય
પેઢીથી આ શિવાલયનાં પૂજન-અર્ચનની જવાબદારી મૂળ ભેરૈયા ગામના અને મંદિરના મહંત ચમનગિરિ
ભવાનગિરિ ગોસ્વામી પરિવાર સંભાળી રહ્યા છે. અહીં મંદિર પરિસરમાં જ ભગવાન શ્રીરામચંદ્રજી, ભગવાન સત્યનારાયણ તથા નીલકંઠવર્ણી ભગવાન અને
ગઢશીશાના વિદ્યાન પંડિત પીતાંબર મહારાજની મૂર્તિ પણ સ્થાપિત કરાઈ છે. સ્વામિનારાયણ
ભગવાનનાં પગલાં, કાલભૈરવ, બટુકભૈરવનું મંદિર
તથા અન્ય નાનાં-નાનાં મંદિરો પણ આવેલાં છે, તો ભગવાન સ્વામિનારાયણ
દ્વારા જ નિર્માણ પામેલા તળાવ કિનારે તાળકેશ્વર મહાદેવનું મંદિર પણ અહીં આવેલું છે.
અહીં યાત્રિકોની સુખાકારી-સુવિધા માટે અન્નક્ષેત્રની પણ સુવિધા ચાલુ છે.તો આ શિવાલયના
વિકાસમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા રાજપરા
આશરાણી જૂથ ગ્રામ પંચાયતનો પણ સતત સહયોગ મળેલો છે. દર જન્માષ્ટમીના અહીં લોકમેળો ભરાય
છે, તો શ્રાવણમાસમાં ચાર પ્રહરની પૂજા, રૂદ્રીપાઠ તથા દર સોમવારે
સંગીતમય મહાઆરતીનું આયોજન પણ કરાય છે. આવતીકાલે તા.4/9ના લોકમેળો યોજાશે અને બપોરે
બે વાગ્યા બાદ શિવપાલખી પણ નીકળશે.