અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતી
સંગીત જગત માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું
87 વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેમણે મોડી રાતે અમદાવાદમાં અંતિમ શ્વાસ
લીધા હતા. ગુજરાતી સંગીત જગતમાં તેમનો ફાળો પ્રસંશનીય રહ્યો છે. તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત
આપ્યું હતું. પ્રખ્યાત સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર એવા ગૌરાંગ વ્યાસને વારસામાં
જ સંગીતકળા મળી હતી. ગૌરાંગ વ્યાસ લોકસંગીત, ભજન, રાસ ગરબા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં ફાળો આપી ચૂક્યા
હતા. તેઓ 500થી વધુ ગુજરાતી
ગીત-કવિઓ તથા ગઝલકારોની રચનાઓને સંગીત આપી ચૂક્યા હતા. પિતા અવિનાશ વ્યાસ સાથે જેસલ
તોરલ માં સહાયક તરીકે જોડાયા બાદ તેમણે લાખો ફૂલાણી ફિલ્મથી સ્વતંત્ર સંગીતકાર તરીકે ડેબ્યૂ કર્યું
હતું. તેમણે 100થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું, જેમાં કેતન મહેતાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત
ફિલ્મ ભવની ભવાઈ (1981), મણિયારો,નસીબની
બલિહારી અને મૈયરમાં મનડું નથી લાગતું સહિતની ફિલ્મોમાં તેમના સંગીતની છાપ જોવા મળે છે.
લતા મંગેશકરના કંઠે ગવાયેલું દીકરી તો પારકી થાપણ કહેવાય આજે પણ ગુજરાતી શ્રોતાઓના હૃદયમાં વસેલું છે. આ
ગીતને ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કર્યું હતું. તેમણે આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર અને ભુપિન્દર જેવા જાણીતા ગાયકો પાસેથી પણ ગુજરાતી ગીતો ગવડાવ્યાં
હતા. લાખો ફૂલાણી માં તેમણે કિશોર કુમારના
અવાજનો પણ ઉપયોગ કર્યો હતો અને આ જ ફિલ્મમાં પ્રફુલ્લ દવેને પહેલી વખત તક આપતા,
મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો જેવી રચના ગુજરાતી સંગીતપ્રેમીઓને આપી
હતી.