• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

જાંબુડીની વાડીમાં ચાલતી જુગાર ક્લબમાંથી દશ ખેલીની ધરપકડ : 1.54 લાખ જપ્ત

ગાંધીધામ, તા. 3 : પશ્ચિમ કચ્છ એલસીબીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને જાંબુડી ગામમાં એક વાડીમાં ચાલતી જુગાર ક્લબનો પર્દાફાશ કરી 10 ખેલીઓની અટક કરી રોકડ રૂા. 1,54,100 જપ્ત કર્યા હતા તેમજ એલસીબીએ જ શેખપીર ચારરસ્તા પાસે એક હોટેલના ઉપરના માળે છાપો મારી જુગારની ક્લબમાંથી સાત શખ્સોની ધરપકડ કરી રોકડ રૂા. 1,00,500 હસ્તગત કર્યા હતા. સ્થાનિક પદ્ધર પોલીસને એલસીબીએ ગઇકાલે અંધારામાં રાખીને જુગારની બે ક્લબ ઝડપી પાડી પર્દાફાશ કર્યો હતો. કોટડા ઉગમણામાં રહેનાર કાંતિ શામજી ભગત (પટેલ) નામનો શખ્સ જાંબુડીની સીમમાં આવેલી પોતાની વાડીમાં ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી તેમને જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે  ગત મોડી રાત્રે પોલીસ અહીં આ વાડીમાં ત્રાટકી હતી. બે રૂમ પૈકીના એક રૂમમાં ટેબલ ઉપર ખેલીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. અહીંથી કાંતિ શામજી ભગત (પટેલ) (રહે. કોટડા ઉગમણા), પંકજ નટવરલાલ ગામોટ (રહે. જૂની ધાણેટી), મહેશ ગંગારામ ગામોટ (રહે. ગરબીચોક માધાપર)કિરણ કરશનદાસ ગોર (રહે. નવાવાસ માધાપર), નરેન્દ્રકુમાર મહાસુખ પૂજારા (ઠક્કર) (રહે. પ્રમુખસ્વામીનગર ભુજ), જિતેશ જગદીશ શાહ (રહે. જૈન વંડા પાસે, ભુજ), યોગેશ હીરાલાલ ખત્રી (રહે. જૂના રેલવે સ્ટેશન પાછળ, ભુજ), લલિત માવજી મહેતા (રહે. આરટીઓ રિલોકેશન ભુજ), ફતેચંદ ભગવાનજી શાહ (રહે. વોકળા ફળિયું ભુજ), સતીશ કરશન મિરાણી (ઠક્કર) (રહે. પ્રમુખસ્વામીનગર ભુજ)ની પોલીસે ધરપકડ કરી હતી. ગંજીપાના ટીંચતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1,54,100 તથા 10 ફોન એમ કુલ રૂા. 1,99,600નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બીજી કાર્યવાહી શેખપીર ત્રણ રસ્તા નજીક હરભોલે લોજના બીજા માળે કરવામાં આવી હતી. લોજનો સંચાલક રાજેન્દ્રગર સુરેશગર ગોસ્વામી (રહે. ગડા પાટિયા) હરભોલે ઉપર ગેસ્ટહાઉસના બીજા માળે રૂમ નંબર 105માં ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તેમને જુગાર રમાડતો હોવાની પૂર્વ સચોટ બાતમીના આધારે પોલીસ અહીં ત્રાટકી હતી. અહીં પલંગ ઉપર બેસીને જુગાર રમતા હોટેલ સંચાલક રાજેન્દ્રગર સુરેશગર ગોસ્વામી તથા હરેશકુમાર દશરથલાલ પટેલ (રહે. માધાપર), દીક્ષિતકુમાર શંભુ પટેલ (રહે. કલ્યાણેશ્વર ગડા પાટિયા), શૈલેશ જયંતીલાલ પટેલ (રહે. કુકમા), સૂરજકુમાર મનન યાદવ (રહે. ગડા પાટિયા), હર્ષલ સુરેશ ઠક્કર (રહે. કુકમા) તથા જયદીપસિંહ પ્રવીણસિંહ પરમાર (રહે. નવાવાસ માધાપર)ની પોલીસે અટક કરી હતી. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 1,00,500 તથા 8 ફોન એમ કુલ રૂા. 1,40,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. 

Panchang

dd