વોશિંગ્ટન, તા. 3 : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી
રહેલા ભારે વિવાદ અને તંગદિલી વચ્ચે અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોએ વિશ્વના દેશોને
ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે,
ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોમાંથી તેને બચાવવાનો પ્રયાસ
કરનાર કે તેની સાથે વેપાર કરનાર કોઈ પણ દેશ પર ટ્રમ્પ પ્રશાસન કડક પ્રતિબંધો લગાવતાં
ખચકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી
તાજેતરની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે. બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી
અને ઈરાની પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી બેઠક અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં
અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે હાલ કોઈ નવી ટ્રેડ ડીલ
થઈ હોય તેવું તેમને લાગતું નથી, પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
નીતિ સ્પષ્ટ કરી છે કે, કોઈ પણ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચાવવામાં મદદ ન કરવી જોઈએ. અમેરિકન વિદેશમંત્રીએ
ઉમેર્યું હતું કે, ઈરાન કમાણી કરી શકે અને તે પૈસાનો ઉપયોગ આતંકવાદને
પ્રોત્સાહન આપવા કે પરમાણુ હથિયારો બનાવવા માટે કરે તેવી કોઈ વ્યવસ્થા બનાવવામાં કોઈ
દેશે મદદ ન કરવી જોઈએ. જો કોઈ દેશ ઈરાન સાથે આવો વેપારી કરાર કરવાનો નિર્ણય કરશે,
તો અમેરિકા તે દેશ પર પણ આકરા પ્રતિબંધો લાદવા મજબૂર બનશે. ચર્ચા દરમિયાન
વડાપ્રધાન મોદીએ ભારતનું વલણ પુનરાવર્તિત કરતાં કહ્યું હતું કે, તમામ વિવાદોનો ઉકેલ યુદ્ધના બદલે માત્ર વાટાઘાટો અને કૂટનીતિ (ડિપ્લોમસી) દ્વારા
જ લાવવો જોઈએ. આ ઉપરાંત તેમણે દરિયાઈ વાહતુક અને મુક્ત વેપારની સુરક્ષાનો મુદ્દો પણ
ઉઠાવ્યો હતો અને સામાન્ય નાગરિકો તેમજ જહાજો પર કામ કરતા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત
કરવા અપીલ કરી હતી. બીજી તરફ, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને તાજેતરના સંઘર્ષ સમયે ભારતે આપેલા સહયોગની
પ્રશંસા કરી હતી અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે ભારત પોતાની કૂટનીતિક ક્ષમતાઓનો
ઉપયોગ કરે તેવી વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે કૂટનીતિનો
માર્ગ અપનાવવાના બદલે અમેરિકાએ યુદ્ધ અને અશાંતિનો રસ્તો પસંદ કર્યો છે.