• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

ભુજ : ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન પ્લાન બંધ કરવાના બહાને 1.43 લાખની ઠગાઇ

ગાંધીધામ, તા. 3 : ભુજ શહેરમાં રહેતા અને વીડિયોગ્રાફી, ફોટોગ્રાફીનું કામ કરતા યુવક સાથે ક્રેડિટ કાર્ડના પ્રોટેક્શન પ્લાન બંધ કરી આપવાની લાલચ આપી ઓનલાઇન લિન્ક મોકલી રૂા. 1,43,304ની ઓનલાઇન છેતરપિંડીનો બનાવ બન્યો હતો. ભુજના વાલદાસ નગરમાં રહેનાર જિજ્ઞેશ નિરંજન જોશીએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ઓગસ્ટમાં તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો, જેમાં ઇન્ડસઇન્ડ બેંકના નવા રૂપે ક્રેડિટ કાર્ડ માટે ઓફર કરવામાં આવી હતી. ત્યારબાદ કુરિયર મારફતે આ ફરિયાદીને કાર્ડ પ્રાપ્ત થયું હતું. પાછળથી અજાણ્યા નંબર પરથી હિન્દીભાષી મહિલાનો ફોન આવ્યો હતો અને તમારા કાર્ડ પર કાર્ડ પ્રોટેક્શન પ્લાન ચાલુ છે, જેનો દર મહિને રૂા. 2499 ચાર્જ લાગશે. ફરિયાદી યુવાને આ પ્લાન બંધ કરવા જણાવતાં ઠગબાજોએ લિન્ક મોકલી હતી. આ લિન્ક ખોલી ભોગ બનનારે ક્રેડિટ કાર્ડ નંબર, વોલિડિટી, સી.વી.વી. જેવી સંવેદનશીલ માહિતી દાખલ કરી હતી. આ વિગતો દાખલ કરતાં જ તેના મોબાઇલ પર ઓટીપી મેસેજ આવ્યા હતા અને જોતજોતામાં તેના કાર્ડમાંથી પ્રથમ રૂા. 92,124 તથા રૂા. 51,180 એમ કુલ્લ રૂા. 1,43,304ની રકમ તેની મંજૂરી વગર ઊપડી ગઇ હતી. ફરિયાદી પોતે છેતરાયા હોવાનું જણાતાં કસ્ટમર કેરમાં ફોન કરી કાર્ડ બ્લોક કરાવ્યું હતું. સાયબર હેલ્પ લાઇન નંબર 1930 પર ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd