અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ને અનુલક્ષીને ઉદ્યોગ જગતના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. તેમણે, સૌને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં ભાગીદાર બનવા આહ્વાન કર્યું
હતું. મહિન્દ્રા ગ્રુપના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ
જણાવ્યું હતું કે, ગુજરાતમાં
રોકાણ અંગે પ્રથમવાર આ જ રૂમમાં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે
માટિંગ થઈ હતી ત્યારે તેમની દૂરંદેશી જોઈને હું પ્રભાવિત થયો હતો. આજે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી ખૂબ જ ખુશી અનુભવું છું અને ગુજરાતમાં રોકાણ અંગે ભવિષ્યના
પ્લાન અંગે સંવાદ કર્યો હતો, જેમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો
અને ગિફ્ટ સિટી ક્ષેત્રે તકોની શોધ કરવા અંગે મહિન્દ્રા ગ્રુપ સાથે ફળદાયી ચર્ચા કરાઈ
હતી. સ્વાન કોર્પોરેશનના એમડી નિખિલ મર્ચન્ટે કહ્યું હતું કે, ગુજરાતમાં પોતાની કામગીરીના વિસ્તરણ અને આધુનિકીકરણની યોજનાઓ અંગે
'સ્વાન એનર્જી' સાથે ચર્ચાઓ થઈ છે. મુખ્યમંત્રી
સાથે કંપનીના વિકસતા જતા આંતરરાષ્ટ્રીય વ્યવસાયને ટેકો આપવા માટે બહેતર કનેક્ટિવિટી
અને નજીકના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. વેલ્સપન
ઇન્ડિયા લિ. ના સીઈઓ દીપાલી ગોએન્કા એ જણાવ્યુંહતું કે, વૈશ્વિક
કાપડ ક્ષેત્રે ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂત બનાવવા અંગે વેલ્સપન ગ્રુપ સાથે ફળદાયી
ચર્ચાઓ થઈ હતી. AMNSના સીઈઓ અમિત
હરલાલકા એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં
અખગજ ઈન્ડિયાની મહત્વાકાંક્ષી રોકાણ યોજનાઓ અંગે મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક યોજાઈ
હતી. કંપની જૂન સુધીમાં રૂ. 80,000 કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે, હજીરા ખાતે મુખ્યત્વે પુન:પ્રાપ્ય ઊર્જા અને
બેટરી સ્ટોરેજ ક્ષેત્રે વધારાના રૂ. 10,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ ગુજરાતમાં 25 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો
વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાના પોતાના વિઝન વિશે પણ માહિતી આપી હતી.