• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

ગોવર્ધન પર્વત આસ્થા સાથે પ્રવાસનુંય કેન્દ્ર બનશે

રશ્મિન પંડયા દ્વારા : અંજારતા. 3  : તાલુકાનાં સતાપર મધ્યે ગોવર્ધન પર્વતના  વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. 19 કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતાં તાલુકા સહિત સમગ્ર કચ્છના ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે.  નિજાનંદ  સંપ્રદાયના ગાદીપતિ  મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા  નિર્માણ કરાયેલા  ગોવર્ધન પર્વત આસ્થા અને પર્યટનનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અહીં વધુ સુવિધાસભર અને આકર્ષક યાત્રાધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે. રાજ્યના  ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી , અંજારના ધારાસભ્ય  ત્રિકમભાઈ છાંગાના પ્રયાસો અને રજૂઆતોને પગલે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના  નેતૃત્વમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંજારના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રૂ. 19 કરોડની માતબર રકમ ફાળવવામાં આવતાં  યાત્રાધામ ખાતે ઉત્તમ કક્ષાની સુવિધાઓ ઊભી કરવાનો માર્ગ મોકળો થયો છે. યાત્રાળુઓ માટે જરૂરી પાયાની સુવિધાઓ, સ્થળ વિકાસ તથા પ્રવાસનને અનુરૂપ વિવિધ માળખાંકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી  સતાપરનો ગોવર્ધન પર્વત ધાર્મિક આસ્થા સાથે પ્રવાસનનું પણ નવું આકર્ષણ કેન્દ્ર બની શકે તેવી શક્યતાઓ ઉજળી બની છે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ આ અંગે જણાવ્યું હતું કે, ગોવર્ધન પર્વતના વિકાસ માટે કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ  રૂ. 19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છેતેમણે રાજ્ય સરકાર પ્રત્યે  આભાર વ્યક્ત કર્યો હતો. અંજાર વિસ્તારના પ્રવાસન વિકાસને નવી દિશા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ ફાળવણી મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેમ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં પણ ગોવર્ધન પર્વતના વિકાસ માટે રૂ. 19 કરોડની રકમ ફાળવવામાં આવી હતી, હવે ફરી એક વખત આ યાત્રાધામના વિકાસ માટે માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી મળતાં આગામી સમયમાં વિકાસકાર્યોને વધુ વેગ મળશે.  સચ્ચિદાનંદ મંદિરના મહંત તથા નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ  મહંત ત્રિકમદાસજી મહારાજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનો આભાર વ્યક્ત કર્યો હતો. ગોવર્ધન પર્વતના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ મહત્ત્વપૂર્ણ ફાળવણીને કારણે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન મળવાની સાથે અંજાર તાલુકાના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ અને નવી ઊંચાઈ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નિર્ણયથી સતાપર સહિત સમગ્ર અંજાર વિસ્તારના રસિક સમાજ અને ધર્મપ્રેમી જનતામાં પણ ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.  

Panchang

dd