ભીરંડિયારા (તા. ભુજ), તા. 3 : ભુજ તાલુકાના
ભીરંડિયારાથી ખાવડા માર્ગ પર આવેલા ટોલનાકા પર ટ્રાફિકના કારણે માર્ગની બંને બાજુ વાહનોની
લાંબી કતાર લાગી હતી. ઔદ્યોગિક ક્ષેત્રે વાયરો ફૂંકાયા બાદ ભુજથી ખાવડા માર્ગ પર મુસાફર
વાહનોની સાથે-સાથે મસમોટાં વાહનો આ માર્ગ પર રાત-દિવસ દોડતાં હોય છે, ત્યારે ગુરુવારના સાંજે પાંચ કલાકે લોકનાકા પર ટ્રાફિક જામ થતાં એકાદ કલાક સુધી માર્ગની
બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરતાં કચ્છમાં દર
વર્ષે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે અને તેમાંય ખાસ કરીને ધોરડો
સફેદ રણ, કાળો ડુંગર સહિતનાં પ્રવાસન સ્થળોએ લોકોને વિશેષ ધસારો
રહેતો હોય છે. જો કે, આ માર્ગ પર રાત-દિવસ દોડતાં મસમોટા વાહનોના
કારણે માર્ગ પર ખાડા પડી ગયા છે અને ટોલ કંપની દ્વારા ટોલની વસૂલાત કરાય છે,
પરંતુ માર્ગની મરંમત કરાતી ન હોવાની રાવ વાહનચાલકોમાંથી ઊઠી છે અને અહીં
આવતા પ્રવાસીઓ પણ ખખડધજ માર્ગના કારણે ખોટી છાપ લઈ જાય છે.