કીવ, તા. 3 : ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે રશિયા પાસેથી
તેલની ખરીદીના મુદ્દે ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે, કોઇ
દેશ તેલ ખરીદી રહ્યો છે કે નહીં એવા મુદ્દે કંઇ રશિયા-યુક્રેન યુદ્ધનું સમાધાન થશે
નહીં. યુક્રેનના પ્રવાસે પહોંચેલા જયશંકરે કહ્યું કે, ભારત આ
લાંબા સંઘર્ષને સમાપ્ત કરવા માટે તમામ શક્ય સમર્થન આપવા તૈયાર છે. જ્યારે રશિયા પાસેથી
તેલ-ખરીદી કરનારા દેશો પર પ્રતિબંધ લાદવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે જયશંકરે
કહ્યું કે, આ સમયે વિશ્વની ઊર્જાની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે.
1.4 અબજ લોકોને ઊર્જા આપવી એ એક
પડકાર છે. યુક્રેનની પોતાની દૃષ્ટિ છે અમે તેનો આદર કરીએ છીએ. આમ, વિદેશમંત્રીએ અમેરિકાને પણ સંભળાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંઘર્ષ હવે તેના પાંચમા વર્ષમાં
છે. તે કોઇનું તેલ, એલ્યુમિનિયમ, ખનિજ,
ધાતુ અથવા ખાતર ખરીદવા કે ન ખરીદવા જેવી બાબત પરથી ઉકેલાશે નહીં. મુત્સદ્દીગીરી
અને સંવાદ થકી તેનો ઉકેલ આવશે. આ જ કારણ છે કે, અમે તેને પ્રોત્સાહિત
કરીશું. 2022માં યુદ્ધની
શરૂઆતથી રશિયન તેલની સતત ખરીદી બદલ યુએસ અને યુરોપિયન દેશો દ્વારા ટીકા થઇ રહી છે.
નવી દિલ્હીએ આ ખરીદીનો બચાવ કરતાં કહ્યું છે કે,
ભારતને તેના નાગરિકો માટે પરવડે તેવી ઊર્જા સુનિશ્ચિત કરવાનો અધિકાર
છે. દરમ્યાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જયશંકર સાથેની
મુલાકાત બાદ યુદ્ધ ખતમ કરવા અંગે ભારતના પ્રયાસોની પ્રશંસા કરી હતી. - જયશંકરે અમેરિકા અને યુરોપને
આપ્યો જવાબ : રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર અમેરિકાના
સંભવિત પ્રતિબંધો અને ટેરિફ અંગેના એક સવાલના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે, આ સમયે દુનિયામાં ઊર્જાની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ
છે. 1.4 અબજ લોકોને ઊર્જા આપવી એ ભારત
માટે એક મોટો પડકાર છે. રાજધાની કીવમાં વાતચીત દરમિયાન જયશંકરે ભારતની સ્થાયી સ્થિતિનો
પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી અને યુદ્ધભૂમિનો ઉકેલ નહીં મળે. ભારતે બંને પક્ષો સાથે વાતચીત
ચાલુ રાખી છે. થોડા દિવસો પહેલાં મોસ્કોમાં ઉચ્ચ સ્તરીય બેઠકો પણ થઈ હતી, જ્યારે હવે કીવમાં સીધી વાતચીત થઈ રહી છે. ભારતનો સંદેશ બન્ને રાજધાનીઓમાં
સમાન રહ્યો છે, યુદ્ધ બંધ થવું જોઈએ, વાટાઘાટો
શરૂ થવી જોઈએ. જયશંકરે નિવેદન આપ્યું હતું કે, ભારત રશિયા-યુક્રેન
યુદ્ધને ખતમ કરવાની કોશિશમાં કોઈપણ પ્રકારથી યોગદાન આપવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર
જયશંકરે કહ્યું હતું કે, જો કોઈપણ પ્રકારની મદદ સંભવ હોય તો ભારત
કરવા માટે તૈયાર છે. જયશંકર ત્રણથી પાંચ સપ્ટેમ્બર સુધી યુક્રેન અને પોલેન્ડના
ત્રણ દિવસના પ્રવાસે છે. રશિયા દ્વારા યુક્રેન ઉપર મોટાપાયે હુમલો શરૂ કર્યા બાદ કીવની
જયશંકરની પહેલી યાત્રા છે. પોતાની યાત્રા દરમિયાન જયશંકર સિબિહા અને પોલેન્ડના નાયબ
વડાપ્રધાન રોડોસ્લા સિકોરસ્કી સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરવાના છે. વર્તમાન સમયે ભારતમાં ચિંતા પણ છે કારણ કે ચાલુ
અઠવાડિયે જ કીવમાં રશિયાના હુમલામાં એક ભારતીયનું મૃત્યું થયું હતું અને કાળા સમુદ્રમાં
વેપારી જહાજો ઉપર હુમલાને લઈને પણ ચિંતા વ્યક્ત
કરવામાં આવી છે. જયશંકરનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે
પીએમ મોદીએ બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિન સાથે બેઠકમાં સંઘર્ષને ખતમ કરવાની અપીલ દોહરાવી હતી. આ અગાઉ પીએમ મોદીએ
કહ્યું હતું કે, યુદ્ધમાં વીતાવવામાં આવેલો
દરેક દિવસ માનવતાને પાછળ ધકેલી રહ્યો છે. જ્યારે શાંતિની દિશામાં ઉઠાવાતું દરેક પગલું
માનવતામાં નવી આશા અને ઉત્સાહ ભરે છે.