નલિયા, તા. 3 : અબડાસા તાલુકાની કનકપુર પ્રાથમિક
શાળાના વાડી વિસ્તારમાં રહેતા વનવાસી ખેતમજૂર પરિવારોના બાળકો માટે 14.70 લાખના ખર્ચે નવી ગાડીનું લોકાર્પણ
કરવામાં આવ્યું હતું. ધ કોર્બેટ ફાઉન્ડેશન અને ગૌરક્ષા મંડળ-મુંબઈના 60 ટકા સહયોગ તથા 40 ટકા લોકફાળાથી આ સુવિધા ઊભી
કરાઈ છે. આ પ્રસંગે દાતા મહેન્દ્ર શાહ તરફથી શૈક્ષણિક કિટ અને પ્રકાશ મોતા તથા રતનાસિંહ
રાઠોડના સહયોગથી શાળાના 210 બાળકને ગણવેશ
વિતરણ કરાયું હતું. સંસ્થાના દુષ્યંતાસિંહ ઝાલા અને વિધિબેને ગાડીની ચાવી એસ.એમ.સી.
અધ્યક્ષ દિનેશ ડાયાણીને સોંપી હતી. આ પ્રકલ્પમાં દેવેશ ગઢવીની કામગીરી મહત્ત્વની રહી
હતી. સરપંચ ચંદ્રિકાબેન રંગાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજકોમાસોલના ડાયરેક્ટર
વાડીલાલ પોકારે મહિલાઓ વાહન ચલાવવાની જવાબદારી લે તેવો અનુરોધ કર્યો હતો. એસ.એમ.સી.
અધ્યક્ષ દિનેશ ડાયાણીએ પરિવહન સુવિધાનો લાભ લેવા જણાવ્યું હતું. સંચાલન નેન્સી મારવાડા
અને કશિશ મહેશ્વરીએ, જ્યારે આભારવિધિ
રૂપલ સચદેએ કરી હતી. સોનુકુમાર પ્રજાપતિએ પ્રસાદ વિતરણ કર્યું હતું. શાળા પરિવાર દ્વારા
દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.