ધાણેટી (તા.ભુજ), તા. 3 : ભુજ તાલુકાનાં
ધાણેટીમાં જિલ્લા ફેરબદલીથી શાળાઓમાં થયેલી શિક્ષકોની ઘટ નિવારવા સ્થાનિક સાત મહિલાની
યોગ્યતા મુજબ શિક્ષક તરીકે નિમણૂક કરાઈ હતી. ધાણેટીની કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા અને નવી ધાણેટી પ્રાથમિક
શાળામાં શિક્ષકોની જિલ્લા ફેરબદલીના લીધે સાત શિક્ષકની ઘટ થઈ હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને
રજૂઆત કરાતાં તેમણે નવી ભરતીમાં ઘટ નિવારવાની ધરપત આપી હતી. આ વચ્ચે વિનસ ટયૂબ લિમિટેડ
કંપનીને સહયોગ આપતા અનુરોધ કરાતાં કંપની દ્વારા જ્યાં સુધી સરકારી ભરતીથી શિક્ષકોની
ઘટ ન પૂરાય, ત્યાં સુધી ગામની સાત યોગ્યતા ધરાવતી મહિલાઓને શિક્ષક
તરીકે નિમણૂક આપવામાં આવી હતી. નિમણૂક પત્રો આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં કંપનીના
એચ.આર. હેડ શંકરભાઈ ચૌધરી, કુલદીપ મોર્યા, સરપંચ મહેશભાઈ માતા, વિક્રમભાઈ ડાંગર, અશ્વિનભાઈ શામળિયા, માવજીભાઈ બાલાસરા વગેરે હાજર રહ્યા
હતા.