ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 2 : મુંબઈ વસતા કચ્છીઓ અને વિશેષ
તો અબડાસાવાસીઓ સાડા ત્રણ દાયકાથી રાહ જોઈને બેઠા છે કે મુંબઈથી કચ્છ એક્સપ્રેસ કે
સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વતન અબડાસાના નલિયા, કોઠાર, સણોસરા,
મોથાળા રેલવે સ્ટેશને ક્યારે ઊતરીએ, બીજી બાજુ
નવા વાઘા સજીને તૈયાર થઈ ગયેલાં રેલવે સ્ટેશન પણ રેલગાડી ક્યારે આવશે તેની રાહ જોઈ
રહ્યાં છે. 1100 કરોડની મહત્ત્વાકાંક્ષી
પરિયોજના ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સમર્પિત તો કરી છે, પરંતુ મંથરગતિએ ચાલતા બે ઓવરબ્રિજનાં કારણે
રેલવે અબડાસામાં ક્યારે પહોંચશે તેની અનિશ્ચિતતાએ હવે નિરાશા સર્જી છે.
1990માં મીટરગેજ
કચ્છ એક સરહદી જિલ્લો છે અને તેમાં પણ પડોશી પાકિસ્તાન સાથે
અબડાસા-લખપત જેવા તાલુકા દરિયાઈ રીતે અને ક્રિક વિસ્તારથી જોડાયેલા હોવાથી ભવિષ્યની
વ્યૂહાત્મક દૃષ્ટિએ રેલવે સેવાથી અબડાસાને સાંકળતા નિર્ણય લેવાયા બાદ 1990માં ભુજથી નલિયા સુધી મીટરગેજ
રેલ સેવા શરૂ થઈ હતી, પરંતુ પાછળથી
દશેક વર્ષ બાદ જુદા-જુદા કારણોસર મીટરગેજનો સંકેલો કરી લેવામાં આવ્યો હતો.
2008માં બ્રોડગેજનો નિર્ણય
ભુજ-નલિયા સુધીના 101 કિલોમીટર સુધીના મીટરગેજ રેલવે ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતરિત
કરવાનો 2008ના કેન્દ્રીય રેલવે બજેટમાં
સમાવેશ કરી ગેજ પરિવર્તન યોજના માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જાહેરાતના દોઢ દાયકાના
અંતે ગેજ પરિવર્તનનાં કામો શરૂ થયા ને અત્યારે છેક નલિયા સુધી ગેજનું કામ સંપન્ન થઈ
ચૂક્યું છે.
વ્યૂહાત્મક શા માટે?
નલિયા અને ત્યારપછી વાયોર સુધી બ્રોડગેજ અને ત્યાંથી પણ આગળ
નારાયણ સરોવર સુધી રેલવેનું વિસ્તરણ કરવાની ઘોષણા કરવામાં આવી છે, ત્યારે અબડાસા-લખપત સુધી રેલવે શા માટે આ સવાલ
પરથી મળેલી માહિતી પ્રમાણે અબડાસા, લખપત એક સરહદી તાલુકા છે.
ઉપરાંત મોટાપાયે સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે. અદાણી-રિલાયન્સ જેવા મહાકાય સિમેન્ટ એકમ
પણ શરૂ થઇ રહ્યાં છે, ઉપરાંત વાયુદળના બે-બે મથકો છે. ઉપરાંત
માછીમારી માટે અબડાસા હબ છે. મીઠા ઉદ્યોગ હોવાથી નમક પરિવહન ઉપરાંત બેન્ટોનાઇટનું મોટાપાયે
ઉત્પાદન હોવાથી બેન્ટોનાઇટનું પણ પરિવહન થઇ શકે છે. આ બધા કારણોસર અબડાસામાં રેલવે
વિસ્તરણને વ્યૂહાત્મક ગણવામાં આવે છે.
1100 કરોડનો પ્રોજેક્ટ
વડાપ્રધાને યોજના સમર્પિત કરી છે, ત્યારે 1100 કરોડના ખર્ચે આકાર લેતા પ્રોજેક્ટમાં
જોઇએ તો 101 કિ.મી. સુધી ગેજ પરિવર્તન, 24 મોટા પુલ, 254 નાના પુલ, ત્રણ આર.ઓ.પી., 30 અન્ડરબ્રિજ ઉપરાંત મોથાળા, સણોસરા, કોઠારા,
નલિયા સહિતના 11 રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વિલંબ શા માટે ?
આ યોજનાનું મોટાભાગનું કામ સંપન્ન થઇ ચૂક્યું છે અને 2024માં રેલ સેવા શરૂ કરવાની જાહેરાત
કરવામાં આવી હતી, પરંતુ અત્યારે
2026 ચાલુ છે. હજુ રાતાતળાવ અને
મંગવાણા પાસે મોટા ઓવરબ્રિજનું કામ અચાનક ઘોંચમાં પડી ગયું છે.
જમીન સંપાદનમાં ઢીલાશને લીધે કામમાં વિલંબ
મંગવાણા અને રાતાતળાવ પાસેના બે મોટા ઓવરબ્રિજનું કામ બંધ પડી
જતાં આ મોટી પરિયોજના અટકી પડી છે. આ મુદ્દે રેલવેના સૂત્રો કહે છે કે, બંને સ્થળે જમીન સંપાદનનું કામ અટકેલું હોવાથી
વિલંબ થઇ રહ્યો છે. કિલોમીટર 72 એટલે કે, રાતાતળાવ
પાસે સરકારી જમીનનું સંપાદન થતું નથી. કલેક્ટર તરફથી મંજૂરીની રાહ જોવાય છે,
જ્યારે કિલોમીટર પર મંગવાણા પાસે નખત્રાણા પ્રાંત અધિકારી દ્વારા 20-એફ કાઢવાનું બાકી છે. પ્રક્રિયા
ચાલુ છે, પરંતુ હજુ થયું નથી એટલે કામ ધીમું પડી ગયું
છે.
તો અબડાસાની રોનક બદલે
અબડાસાના વિકાસના પ્રશ્નો અંગે હંમેશાં જાગૃત રહીને સૌને વારંવાર
એકઠા કરતા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જે.પી. ગોર કહે છે કે, માલગાડીઓ તો દોડે છે તો પ્રવાસી ટ્રેન શા માટે
ન દોડે, મોઢાં સુધી આવેલો કોળિયો અટકેલો છે તેવો તાલ છે. જો પ્રવાસી
ટ્રેનની આવન-જાવન શરૂ થઇ જાય તો અબડાસામાં રોનક આવે અને વિકાસ સારી રીતે થઇ શકે. અબડાસાવાસીઓનો
મુંબઇ સાથે નાતો રહ્યો છે અને અમે સાંસદ પાસે પણ રજૂઆત કરી તો તેમણે હકારાત્મક પ્રતિસાદ
આપ્યો છે. 1976માં મીટરગેજની
પાયાવિધિ થઇ ત્યારથી 50 વર્ષ થયા
બ્રોડગ્રેજની રાહ જોઇએ છીએ. હવે શરૂ થવી જોઇએ.
ટ્રેન આવતાં હિજરત અટકે
અત્યારે અબડાસાનાં ગામડાં ભાંગતાં જાય છે એટલે ગામડાં ખાલી થાય
છે. આ વિષયને લઈ ચિંતા જતાવતાં મૂળ નલિયાના વેપારી આગેવાન મુકેશભાઈ મડૈયાર કહે છે, બધું તૈયાર છે છતાં પ્રવાસી ટ્રેન નહીં દોડતાં
દુ:ખ થાય છે. રેલવે વ્યવહારના ધમધમાટનાં કારણે ગામડાંના લોકો શહેર તરફ જતાં અટકી જશે.
રોજગારીની નવી તકો પણ ઊભી થશે. વધુમાં તેમણે કહ્યું કે, મોટા
ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે છતાં ટ્રેન આવાગમનમાં શા માટે વિલંબ કરાય છે, માલગાડી આવે છે તો બાકીની ટ્રેન શા માટે ન આવે ?
હવે ઘણો વિલંબ
નલિયાના અને માતાના મઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજાએ જણાવ્યું
હતું કે, લાંબા સમયથી અબડાસાવાસીઓ રાહ જોઈને બેઠા છે
ને હવે ઘણું મોડું થતું જાય છે. ઉદ્યોગોનો આધાર પણ રેલવે વ્યવહાર છે, વિસ્તારનો સારો વિકાસ થાય અને ગામડાંઓમાં નવી રોનક આવી જાય ઉપરાંત જે લોકો
અહીંથી ચાલ્યા જાય છે તે જતા અટકી જશે.
મુંબઈવાસીઓને ઈન્તજાર
મુંબઈ સ્થિત બિલ્ડર મૂળ જખૌના તુલસીભાઈ દામા કહે છે કે, મુંબઈમાં મોટી સંખ્યામાં અબડાસાવાસીઓ વસે છે
અને બ્રોડગેજ નલીયા સુધી પહોંચવાની છે તેની રાહ જોઈ બેઠા છે અને બધાના મનમાં છે કે,
બસ હવે તો બાન્દ્રાથી સીધી ગામની ટિકિટ કઢાવીને વતન પહોંચીને મુંબઈ સાથે
રોજ-બરોજનો નાતો હોવાથી અબડાસાવાસીઓ દરેક પ્રસંગોમાં મુંબઈ અને અબડાસા સતત અવરજવર કરે
છે. જો ટ્રેન સીધી મળી જાય તો સોનાંમાં સુગંધ ભળે.
સાંસદની હૈયાધારણ; રેલવેમંત્રી સાથે ચર્ચા કરાશે
ભુજ, તા. 2 : ભુજ-નલિયા સુધી બ્રોડગેજ રૂપાંતર
થયા બાદ પણ રેલવે શરૂ નહીં થતાં આ વિષય કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સમક્ષ આવ્યો હોવાનું
તેમણે ખુદે જણાવ્યું હતું અને કહ્યું કે, ઉચ્ચ કક્ષાએ મારી ચર્ચા ચાલે છે. શ્રી ચાવડાએ જણાવ્યું કે, અબડાસાના આગેવાનો પણ મને મળ્યા ને રજૂઆત કરી છે. તેમણે રેલવે અધિકારીઓને મળીને
જાણ્યું ને જમીન સંપાદનના કારણે મોડું થાય છે. આ મુદ્દે અહીંના વહીવટીતંત્ર સાથે પણ
પરામર્શ કરાશે અને વહેલી તકે ટ્રેન નલિયા સુધી દોડે આ મુદ્દે રેલવે મંત્રીને ધ્યાન
દોરશે એવી ખાતરી આપી હતી.