અંજાર, તા. 8 : શહેરમાં પૂર્વ કચ્છની અલાયદી
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કાર્યરત કરવાની દિશમાં તજવીજ હાથ ધરાઈ હોવાના અહેવાલ
સાંપડયા હતા. રાજ્ય સરકાર દ્વારા વહીવટી સરળતા ખાતર જુદી-જુદી સરકારી કચેરીઓને પૂર્વ
અને પશ્ચિમ કચ્છ એમ બે વિભાગમાં વિભાજિત કરવાની પ્રક્રિયા લાંબા સમયથી હાથ ધરી છે, જેના ભાગરૂપે અંજારમાં પૂર્વ કચ્છની આર.ટી.ઓ.
કચેરી, તોલમાપ વિભાગ સહિતની કચેરીઓ કાર્યરત કરાઈ છે. આ સ્થિતિમાં
અંજારમાં પૂર્વ કચ્છની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કાર્યરત કરવા લાંબા સમયથી પ્રયાસો
હાથ ધરાયા હતા. અંતે રાજ્ય સરકાર દ્વારા આ અંગે મંજૂરીની મોહર મારવામાં આવી હતી. અંજારની
શેઠ ડી.વી. હાઈસ્કૂલમાં પૂર્વના શિક્ષણ વિભાગની કચેરી કાર્યરત કરવામાં આવશે,
જેના ભાગરૂપે અહીં કચેરીનું નામ લખવા સહિતની કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો
છે. નોંધપાત્ર છે કે, પૂર્વ કચ્છના શિક્ષણ વિભાગ માટે મહેકમની
ફાળવણી બાદ ભુજના જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ કચ્છનો હવાલો સોંપાયો હતો. તાજેતરમાં બે સિનિયર ક્લાર્ક
અને બે જુનિયર ક્લાર્ક તથા મદદનીશ કેળવણી નિરીક્ષકના પદો ઉપર કર્મચારીની નિમણૂક કરાઈ
હતી. કેળવણી નિરીક્ષક પદ પણ જૂજ દિવસોમાં ભરવામાં આવશે, તેવું
જાણકારોએ ઉમેર્યું હતું. હાલમાં જે પ્રકારે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે તેને જોતાં
આગામી નજીકના દિવસોમાં આ કચેરી કાર્યરત થાય તેવી આશા સ્થાનિક શિક્ષકોએ વ્યકત કરી હતી.