અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 9 : સાચી દૃષ્ટિ આંખોમાં નહીં, પરંતુ વ્યક્તિના સપનાઓની મજબૂતીમાં રહેલી હોય
છે અને પીનવ મોતા એવા જ એક મજબૂત વ્યક્તિત્વ
છે, જેમણે દૃષ્ટિહીન હોવા છતાં એવા લક્ષ્યો હાંસલ કર્યા છે જે
અશક્ય જણાતા હતા. અંધત્વએ ભલે તેમની દૃષ્ટિ છીનવી લીધી, પરંતુ
તેમણે ક્યારેય તેમના દૃઢ સંકલ્પને ઝાંખો પડવા દીધો નથી. પીનવ મોતા એક ફોજદારી વકીલ
(ક્રિમિનલ લોયર) છે અને તેમણે સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટમાં એમબીએ કર્યું છે.
તેઓ 30 વર્ષના છે અને હાલમાં થાણે
ખાતે રહે છે. દૃષ્ટિ ગુમાવવા વિશે વાત કરતાં પીનવ મોતાએ કહ્યું હતું કે, નવ વર્ષની ઉંમરે મારી ડાબી આંખની અને 15 વર્ષની ઉંમરે `રેટિનલ ડિટેચમેન્ટ'ને કારણે જમણી આંખની દૃષ્ટિ જતી રહી હતી. હાલમાં,
મેં મારી દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. નકારાત્મક વાતો સાંભળવાનું
કે વાંચવાનું બંધ કરો અને તેમને અવગણવાનું શીખો. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત
કરો. હંમેશાં સકારાત્મક રહો. ક્યારેય શોર્ટકટ ન લો અને હંમેશા તમારામાં વિશ્વાસ રાખો
તેવો તેમણે લોકોને સંદેશ આપ્યો હતો. શ્રી મોતાએ જણાવ્યું હતું કે, તેઓ ખાસ `ટાકિંગ સોફ્ટવેર' (બોલીને માહિતી આપતા સોફ્ટવેર)ની મદદથી મોબાઈલ
ફોન, લેપટોપ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. એક વકીલ તરીકે
તેમની પાસે જુનિયર વકીલો અને સહાયકોની એક ટીમ છે, જેઓ કોર્ટમાં
તેમને માર્ગદર્શન આપે છે કે ક્યાં ઊભા રહેવું, કઈ તરફ મોઢું રાખવું,
ક્યારે બોલવું અને કેટલો સમય બોલવું. પોતાના માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા
વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, ધોરણ 10માં અભ્યાસ દરમિયાન દૃષ્ટિ ગુમાવ્યા પછી
મારો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો અને હું હતાશામાં સરી પડ્યો હતો, ત્યારે માતા-પિતાએ સાથ આપ્યો અને હું જીવનમાં
સફળ થયો. પોતાની શૈક્ષણિક સફર વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, યુપીએસસી અને એમપીએસસી મારી પ્રથમ પસંદગી હતી અને મેં તે બંને પરીક્ષાઓ આપી
હતી, પરંતુ હું તેમાં સફળ થઈ શક્યો નહીં. ત્યારબાદ મેં કાયદા
(લો)ના ક્ષેત્રની પસંદગી કરી. હું રમતગમતના ક્ષેત્રમાં દૃષ્ટિહીન લોકો માટે કંઈક કરવા
માગતો હતો અને મને વિશ્વાસ હતો કે, `સ્પોર્ટ્સ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટ'ની ડિગ્રી મને આવા કાર્યક્રમો વ્યવસ્થિત રીતે
યોજવામાં મદદરૂપ થશે. તેથી જ મેં `સ્પોર્ટ્સ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટ'માં એમબએ કર્યું. હું પોતે પણ એક ખેલાડી છું.
હું સ્વામિંગ, દોડ અને સાયકાલિંગ જેવી રમતોમાં ભાગ લઉં છું. ભૂતકાળમાં
મેં ચેસ રમી છે અને અનેક સ્પર્ધાઓ જીતી છે. આ ઉપરાંત, મેં `બ્લાઈન્ડ ક્રિકેટ' પણ રમી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,
મારી પોતાની સંસ્થા છે, જેનું નામ પીનવ મોતા ફાઉન્ડેશન
છે, જે દૃષ્ટિહીન લોકો માટે રમતગમતને પ્રોત્સાહન આપે છે અને અંધ
ખેલાડીઓને ટેકો આપે છે.