સુમરાપોર, તા. 9 : અહીં આવેલા સરકારી સામૂહિક
આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ અને સુવિધાઓના અભાવ અંગેની ફરિયાદોને
ધ્યાને રાખીને ભીમ આર્મીના કાર્યકર્તાઓ જત ઈકબાલ ભાઈ અને અનીષ ભાઈ તથા આંતરરાષ્ટ્રીય
ભીમ સેનાના અધ્યક્ષ મયુરભાઈ તથા ભીલાલભાઇ સમા, મામદભાઇ સમા દ્વારા સી.એસ.સી. સેન્ટરની રૂબરૂ મુલાકાત લી હતી. આ મુલાકાત દરમિયાન
હોસ્પિટલમાં બેદરકારી અને અસુવિધાઓના કારણે સ્થાનિક અને આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી
ભોગવવી પડી રહી છે તેમ જાણવા મળ્યું હતું. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ડોકટરો અને
નર્સિંગ સ્ટાફની ઘટને કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી ન હોવાનું તેમજ દવાખાનામાં
શૌચાલયની અત્યંત બિસ્માર હાલત અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું
હતું. હોસ્પિટલમાં એક્સ-રે મશીન ઉપલબ્ધ હોવા છતાં તે લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યું
હોવાથી ગંભીર દર્દીઓ કે અકસ્માતનો ભોગ બનેલા લોકોને પ્રાથમિક સારવાર માટે ભુજ સુધી
લાંબા થવું પડે છે. હોસ્પિટલમાં સાફ-સફાઈનું કામ કરતી મહિલા કર્મચારીઓને કનડગત કરાતી
હોવાની વિગતો પણ જાણવા મળી છે. આ મુદ્દાઓને ધ્યાને રાખીને તંત્ર સામે વિરોધ નોંધાવવા
ચીમકી અપાઇ હતી. જો ટૂંક સમયમાં સમસ્યા નહીં ઉકેલાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન
કરવામાં આવશે. મુલાકાત દરમ્યાન અનીસભાઈ જુણેજા, અમીન ફૈઝી,
વાયદસમાં, મુસ્તાક સમા, હનીફ
ચાકી સાથે જાગૃત યુવાઓ હાજર રહ્યા હતા.