તેહરાન, તા. 9 : ઇરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખોમેનીનો વીડિયો
યુદ્ધ બાદ પહેલીવાર સામે આવ્યો છે. તબિયત બગડી હોવાની અટકળો પર પૂર્ણવિરામના પ્રયાસરૂપ
આ વીડિયોમાં મુજતબા સંપૂર્ણ સ્વસ્થ દેખાય છે. ઇરાની સમાચાર એજન્સી `મેહર' દ્વારા જારી કરાયેલા વીડિયોમાં
સુપ્રીમ લીડર જમીન પર બેઠેલા લોકો સાથે બેસીને વાતચીત કરતા દેખાય છે. સર્વોચ્ચ નેતા
બન્યા બાદ આ તેમનો પ્રથમ વીડિયો છે, છેલ્લા કેટલાક દિવસથી મુજતબાની
તબિયત બેહદ ખરાબ હોવાના દાવા કરાયા હતા. ઇઝરાયલની એક સમાચાર ચેનલે તો એ હદે દાવો કરી
નાખ્યો હતો કે, હોસ્પિટલમાં દાખલ ખોમેનીનું જલ્દી મોત થઇ શકે
છે. હવે આ વીડિયો સામે આવતાં આવા દાવાઓ સામે સવાલ ઊઠી રહ્યા છે. જો કે, આજની તારીખે મુજતબાની તબિયત અંગે ચિત્ર સ્પષ્ટ નથી. કેમ કે, વીડિયો કયારનો છે તે જણાવાયું નથી. સુપ્રીમ લીડર બન્યા બાદ મુજતબા જાહેરમાં
કયાંય દેખાયા નહોતા. તેમણે કોઇ ભાષણ પણ નહોતું આપ્યું. પિતા ખોમેનીનાં મોત બાદ પણ મુજતબા
કોઇ મંત્રીને મળ્યા નહોતા કે પિતાના અંતિમ સંસ્કારમાં પણ જોવા મળ્યા નહોતા.