ગાંધીધામ, તા. 9 : સામખિયાળી-ભચાઉ વચ્ચે ત્રીજી અને ચોથી લાઈનનાં નિરીક્ષણ માટે
કચ્છમાં રહેલા અમદાવાદ ડીઆરએમ દ્વારા ગાંધીધામ રેલવે સ્ટેશન અને રેલવે કોલોનીની મુલાકાત
લઈ જાતમાહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ડીઆરએમ વેદપ્રકાશે રેલવે કોલોનીમાં રહેતા
કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ, સૂચનો અને જરૂરિયાતોની જાણકારી મેળવી સંબંધિત
અધિકારીઓને તમામ પ્રશ્નોનું પ્રાથમિકતાના આધારે તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ કર્મચારીઓને
વધુ સારું આવાસીય વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. રેલવે આવાસીય પરિસરોમાં ઉપલબ્ધ
પાયાની સુવિધાઓ, સ્વચ્છતા, જાળવણી,
પીવાનાં પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો, હરિયાળી તેમજ સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને
રેલવે કર્મચારીઓ માટે આધુનિક અને ગુણવત્તાસભર આવાસીય સુવિધાઓના વિકાસ માટે વ્યાપક કાર્યયોજના
તૈયાર કરી તબક્કાવાર જરૂરી કામો ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. ડીઆરએમ દ્વારા
ગાંધીધામ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરીને મુસાફર સુવિધાઓ, સ્વચ્છતા
વ્યવસ્થા, પ્રતીક્ષાલય, પ્લેટફોર્મ,
સ્ટેશન પરિસર તથા ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને
મુસાફરોને સુરક્ષિત, સુગમ અને વધુ સારી મુસાફરીનો અનુભવ મળી રહે,
તે માટે તમામ વિકાસકાર્યોમાં ગતિ લાવવા તેમજ મુસાફર સુવિધાઓમાં સતત સુધારો
સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. ડીઆરએમ વેદપ્રકાશે જણાવ્યું હતું કે, અમદાવાદ મંડળનો હેતુ માત્ર રેલ સંચાલનને વધુ મજબૂત બનાવવાનો જ નથી,
પરંતુ રેલવે કર્મચારીઓને વધુ સારી આવાસીય અને જીવનસ્તરની સુવિધાઓ તેમજ
મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને આધુનિક રેલવે માળખાંકીય સુવિધાઓ
ઉપલબ્ધ કરાવવાનો પણ છે. ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ
અને કંડલા પોર્ટ વિસ્તારના નિરીક્ષણ દરમિયાન પ્રાપ્ત થયેલાં સૂચનો અને જરૂરિયાતોના
આધારે વિકાસકાર્યોને પ્રાથમિકતા સાથે આગળ વધારવામાં આવશે.
રેલવે અને દીનદયાલ પોર્ટ વચ્ચેનું સમન્વય મજબૂત બનાવાશે
ગાંધીધામ, તા. 9 : પ્રવાસ દરમિયાન ડીઆરએમએ કંડલા પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘ
સાથે બેઠક પણ યોજી હતી. બેઠક દરમિયાન ભારતીય રેલવે અને કંડલા પોર્ટ વચ્ચેના સમન્વયને
વધુ મજબૂત બનાવવો, માલ પરિવહન
ક્ષમતામાં વધારો, રેલવે માળખાંકીય સુવિધાઓનો વિસ્તાર,
લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો તેમજ ભવિષ્યની સંયુક્ત વિકાસ યોજનાઓ
અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષે વિસ્તારમાં ઔદ્યોગિક તથા બંદર આધારિત
રેલ પરિવહનને વધુ અસરકારક બનાવવા માટે પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવાની સહમતી વ્યક્ત
કરી હતી.