• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ભુજના એરફોર્સ પાસે પરપ્રાંતીય યુવાન કચડાયો : માધાપર પાસે બુલેટ સ્લીપ થતા પધ્ધરના યુવાનનું મોત

ભુજ/ગાંધીધામ, તા. 9 : આજે સાંજે ભુજની ભાગોળે ખાવડા રોડપર એરફોર્સના ગેટ પાસે મૂળ ઉત્તર પ્રદેશના 19 વર્ષીય શ્રમિક યુવાન ગોલુ કાન્તી બિયાર અજાણ્યા વાહને અડફેટે લઇ કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. માધાપર ધોરીમાર્ગ પર બુલેટ બાઇક સ્લીપ થતા પધ્ધરનો 21વર્ષીય યુવાન પ્રેમ ગોવિંદભાઇ ડાંગરને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી ગામ તથા આહીર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. બીજી તરફ આજે માધાપરના જુનાવાસમાં 75 વર્ષીય વૃદ્ધ સિદીક જુશબ જુણેજાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જ્યારે અંજાર તાલુકાના તુણા બાજુ રેલવે લાઇન પાસે 22 વર્ષીય યુવાન ઇશા સુલેમાન ભટ્ટીને વીજ શોક ભરખી ગયો હતો. ભુજ/ખાવડા રોડ પર  એરફોર્સ પાસે ખાનગી કંપનીના બાંધકામમાં સેન્ટ્રીંગનો કામ કરતો શ્રમિક ગોબુ આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે  અજાણ્યા વાહને અડફેટે લેતાં માથામાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતના પગલે 108ને  બોલાવાઇ હતી. પરંતુ આ પહેલાં જ યુવાને દમ તોડી દીધો હતો. આ અકસ્માતના પગલે સાથી શ્રમિકો એકત્ર થઇ ગયા હતા અને થોડો સમય હોબાળો મચાવ્યો હતો. પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે ધસી જઇ મામલો થાળે પાડયો હતો. માનવજ્યોત સંસ્થાની એમ્બ્યુલન્સ મારફત લાશને હોસ્પિટલ ખસેડાઇ હતી. આ કામગીરીમાં સંસ્થાના પ્રબોધભાઇ મુનવર, રફિક બાવાહિતેશ ગોસ્વામી, વિક્રમ રાઠી જોડાયા હતા. અમારા રાયધણપર (તા.ભુજ)ના પ્રતિનિધિ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પદ્ધર ગામના પ્રેમભાઇ ડાંગરની શુક્રવારે સાંજે  માધાપર ધોરીમાર્ગ પર રસવાટીકા નજીક બુલેટ સ્લીપ થઇ હતી, આથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમ્યાન ગઇકાલે તેનું મૃત્યુ થયું હતું. આ યુવાન આહીર શૈક્ષણિક ગ્રુપ સાથે સંકકળાયેલા હતા. અને આહીર સમાજના કોલેજીયન યુવક યુવતીઓને સરસ્વતી સન્માન-સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થતા હતા. તેમની અંતિમ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય શિવજીભાઇ આહીર, પદ્ધર સરપંચ રાજેશભાઇ કોઠીવાર, પાંચાભાઇ કોઠીવાર સહિતના આગેવાનો જોડાયા હતા. આ બનાવને પગલે આહીર સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી.

બીજી તરફ માધાપર જૂનાવાસમાં રહેતા વૃદ્ધ સિદીક જુણેજાએ આજે સવારે કોઇ અગમ્ય કારણે ગળેફાંસો ખાઇ લેતાં તેમનો પુત્ર આમદ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં આમદે વિગતો જાહેર કરી હતી. દરમ્યાન કંડલા-તુણા બાયપાસ થી તુણા બાજુ રેલવે લાઈન પાસે નાળાની નજીક ગત તા.7/8 ના 2.30 વાગ્યાના અરસામાં યુવાન ઇશા ભટ્ટીને બનાવ બન્યો હતો. ભચાઉ તાલુકાના નાની ચિરઈના ઈશા સુલેમાન ભટ્ટી હાઈવોલ્ટેજ કરંટ લાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા.તેમને રામબાગ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ગઈકાલે સાંજે 7.30 વાગ્યે ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd