ન્યાયતંત્ર લોકશાહીનો ચોથો સ્થંભ છે. દેશમાં વિવિધ ક્ષેત્રની
અસમાનતા, અનિયમિતતાઓમાં અદાલતનાં વલણ પર મીટ મંડાયેલી
હોય છે અને આપણી કોર્ટો વિશેષ કરીને વડી અદાલતો અને સુપ્રીમ કોર્ટ તરફથી સમયાંતરે આવતા
ચુકાદા ન્યાયતંત્ર પરની શ્રદ્ધા સુદૃઢ કરે છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ વાહન વીમા અંગે
અતિમહત્ત્વનો ચુકાદો આપ્યો છે જે મુજબ નવાં વાહનો માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કરાયો
છે. સર્વોચ્ચ અદાલતે વીમા નિયામકને આપેલા નિર્દેશ અનુસાર નવી કાર માટે ત્રણથી ચાર વર્ષ
અને નવાં ટુ-વ્હીલર્સ માટે પાંચથી છ વર્ષનો વીમો ફરજિયાત રહેશે. અદાલતનો અભિગમ અતિ
કડક છે. થર્ડ પાર્ટી વીમો ન હોય એવાં વાહનોને પેટ્રોલ પંપો પર ઇંધણ ન મળે એવી વ્યવસ્થા
ગોઠવવા સરકારને જણાવ્યું છે. અહીં એ નોંધનીય છે કે, રસ્તા પર
દોડતાં લાખો વાહનો વીમો ધરાવતાં નથી. અકસ્માત સર્જાય ત્યારે ભોગ બનનારને કાયદાકીય આંટીઘૂંટીમાં
ફસાવું પડે છે. અદાલતે વીમા નિયમન અને વિકાસ ઓથોરિટી (આઇઆરડીએઆઇ)ને વીમા નિયમોનું કડક
પાલન કરવા નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં, વીમા ચકાસણી હેતુ
માટે હાઇવે અને રસ્તાઓ પર સ્થાપિત ઓટોમેટિક નંબરપ્લેટ રેકગ્નિશન કેમેરાને વીમા ડેટાબેઝ
તથા વાહન પોર્ટલ સાથે જોડવાનો પણ આદેશ આપ્યો છે. વધતા માર્ગ અકસ્માતો આજે ગંભીર ચિંતાનો
વિષય છે. તાજેતરમાં જ લોકસભામાં માર્ગ અકસ્માતોના રજૂ થયેલા આંકડા વિચલિત કરી મૂકે
તેવા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક અહેવાલ અનુસાર દેશમાં
ગયાં વર્ષે માર્ગ અકસ્માતમાં 5.3 ટકાનો વધારો થયો છે. 5.13 લાખથી વધુ અકસ્માતોમાં 1.83 લાખ લોકોએ જીવન ગુમાવ્યું. ઘાયલોનો તો આંક આનાથી અનેકગણો વધુ
છે. એ કેવી વક્રતા કે, એક દિવસમાં
રસ્તા પર 500થી વધુ લોકો
રોજેરોજ અકસ્માતોમાં જીવન હોમી દે છે એ માર્ગો પર દોડતાં વાહનોમાંથી અડધોઅડધ રજિસ્ટ્રેશન
વિના કે વીમાકવચ વિના દોડી રહ્યાં છે. આ તો નાગરિક તરીકે આપણી સૌની ગુનાહિત બેદરકારી
જ છે. બીજો અર્થ એ પણ નીકળે છે કે, મોટર વાહન અધિનિયમ લાગુ કરવામાં મોટી ખામી છે. સદ્નસીબે સર્વોચ્ચ અદાલતે આ
વાતને અતિગંભીરતાથી લીધી છે. કોર્ટે કેન્દ્ર સરકારને પાઈલટ પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું
છે, જે અંતર્ગત કાયદેસર વીમો ન હોય એવા વાહનચાલકને પેટ્રોલ ન
મળે એવી જોગવાઇ કરાશે. આવું બનતાં સંભવ છે કે, મોટાભાગનાં વાહનો
વીમા છત્ર હેઠળ આવી જશે. થર્ડ પાર્ટી વીમો માત્ર કાનૂની જરૂરત જ નથી, બલ્કે નાગરિકોની-પરિવારની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તેનો ઉદ્દેશ એ
સુનિશ્ચિત કરવાનો છે કે, માર્ગ અકસ્માતનો ભોગ બનનાર લોકો અને
તેમના પરિવારને વર્ષો સુધી કોર્ટના ચક્કર કાપ્યા વિના સમયસર જરૂરી વળતર મળી જાય. લાખો
વાહનો વીમા વિના દોડતાં હોય તો તેનાથી થયેલા અકસ્માતના પીડિતો અને પરિવારજનો પર સીધો
બોજ પડે છે. મોંઘાં મેડિકલ બિલ અને ખર્ચા એટલા તોતિંગ હોય છે કે, પરિજનો સંઘર્ષ કરતા થઇ જાય છે. સર્વોચ્ચ અદાલતનો સંવેદનશીલ અભિગમ આવકાર્ય છે.
સરકાર માટે તેના દિશાનિર્દેશનો અમલ કરવો જરૂરી છે. આ ટેકનિકલ પ્રક્રિયામાં પેટ્રોલપંપોની
ભૂમિકા અગત્યની બનશે. નાગરિકોને કદાચ થોડી તકલીફે પડશે, પરંતુ
એ સ્વીકારવું રહ્યું કે, વાહનવ્યવહારની નિયમિતતા અંતે તો વ્યાપક
હિતમાં જ છે.