ભુજ, તા. 9 : થાંગતા માર્શલઆર્ટમાં સુંદર પ્રદર્શન બદલ કચ્છના
ત્રણ પ્રતિભાશાળી ખેલાડી હર્ષિતા ભરત બચનાણી, લહેર સમીર દુધાની અને યશ રવિ પમવાણીને જયદીપસિંહ એવોર્ડનું સન્માન
મળ્યું છે. 12 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે મહાત્મા મંદિર રોડ, ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા
એવોર્ડ અપાશે. ડો. સી.જી. હાઇસ્કૂલ, ગાંધીધામના વ્યાયામ શિક્ષક
તથા રમતગમત કોચ ભરત એન. બચવાણીનાં માર્ગદર્શન હેઠળ કચ્છના ત્રણ પ્રતિભાશાળી ખેલાડીએ
રાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે. ઉત્કૃષ્ટ થાંગતા માર્શલઆર્ટમાં ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે
ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહનરૂપે રૂા. 10,000નો રોકડ પુરસ્કાર અપાયો છે. કચ્છમાં પ્રથમવાર થાંગતા માટે આ એવોર્ડ ખેલાડીઓને મળ્યો
છે. ભરત બચવાણી પોતાની શાળાના વિદ્યાર્થીઓને ઉપરાંત જરૂરિયાત ધરાવતી અન્ય શાળાનાં બાળકોને
પણ વિનામૂલ્યે રમતગમતનું પ્રશિક્ષણ અને માર્ગદર્શન આપે છે, પણ તેઓ ઘણી વખત પોતાના ખર્ચે
રમતગમતનાં સાધનો અને જરૂરી સામગ્રી લઇને શાળાઓમાં પહોંચે છે.