• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ગાંધીધામમાં ડામર પાથરવાનું શરૂ કરાયું

ગાંધીધામ, તા. 9 : વરસાદની આગાહી વચ્ચે ગાંધીધામમાં ફરીથી ડામર પાથરવાનું શરૂ કરવામાં આવતાં સવાલો ઊઠી રહ્યા છે. રસ્તાઓ સારા થાય તેમાં લોકોને કોઈ સમસ્યા નથી, પણ ગુણવત્તાયુક્ત કામ થાય તે જરૂરી હોતા હાલના સમયે ડામર પાથરવામા આવે છે. જો વરસાદ પડયો હોત, તો માર્ગની શું સ્થિતિ થશે તેવો સવાલ લોકો ઊઠાવી રહ્યા છે.   ગાંધીધામમાં શિવાજી પાર્ક બગીચાવાળા માર્ગ ઉપર ફૂટપાથના પેવરબ્લોકનાં કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. પીસીસી કર્યા વગર જ બ્લોક બેસાડી દેવામાં આવ્યા છે. આ મામલે જવાબદારો સામે કોઈ પગલાં લેવાયાં નથી. તે વચ્ચે હવે આ માર્ગ ઉપર ડામર પાથરવામાં આવી રહ્યો છે. રાત્રિનાં કરાતાં આ કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. દિવસ દરમિયાન પણ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલા એન્જિનીયરો નજર રાખતા નથી તેવામાં રાત્રિના સમયે જે ડામરનાં કામો થઈ રહ્યાં છે, તેની ઉપર કેવી નજર રાખવામાં આવતી હશે તે મુદ્દે જાગૃત નાગરિકો સવાલો ઊઠાવી રહ્યા છે. લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ બને છે જેટલા પૈસા ખર્ચાય છે એટલું કામ નથી, પરંતુ પીએમસીની  સાઠગાંઠથી એસ્ટિમેન્ટ વધારે બનાવતા હોવાના આક્ષેપો છે. તેમાં પણ ખાસ કરીને જૂની કોર્ટ ક્રોમા સેન્ટરથી અપનાનગર ચાર રસ્તા અને ટાગોર રોડથી ભાઈ પ્રતાપ સર્કલ સુધી શિવાજી પાર્ક બગીચાવાળા માર્ગનું કામ કરતી એજન્સી ઉપર વહીવટી તંત્ર કંઈક વધારે જ મહેરબાન હોવાની રાવ જાણકારો કરી રહ્યા છે. અહીં નમૂના લઈને કામની ગુણવત્તાની ચકાસણી કરવાની પણ તસ્દી લેવાતી નથી. તેમાં પણ વરસાદની આગાહી વચ્ચે હવે ડામર પાથરવામાં આવી રહ્યો છે. હિરાલાલ પારેખ સર્કલથી લઈને સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તા સુધીના માર્ગનું કામ પણ સવાલોના ઘેરામાં છે. વરસાદમાં માર્ગ બેસી ગયો હતો તેની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા તેના ઉપરથી પણ તંત્રે બોધપાઠ લીધો નથી. 15 જૂનથી ડામર રોડ બનાવવાની મનાઈ હોય છે તેમ છતાં ડામર પથરાઈ રહ્યો છે. ગુણવત્તા જળવાય છે કે નહીં તેની ચકાસણી કરવાની પણ તસ્દી લેવાતી ન હોવાથી જાગૃત નાગરિકો સવાલો ઊઠાવી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠનો સંપર્ક સાધતા તેમણે ડામરની અછતના કારણે દિવસના ભાગમાં કામ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. વરસાદની આગાહી વચ્ચે કામ નહીં કરાય તેવું તેમણે ઉમેર્યું હતું.

માનીતી એજન્સીનાં કામની સમય મર્યાદા વધારાતી હોવાના આક્ષેપો

મહાનગરપાલિકામાં તત્કાલીન કમિશનર દ્વારા સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવાની તાકીદ કરાઈ હતી અને તેની શરત પણ હોય છે. ઘણા કામો એવા છે, જે સમય મર્યાદામાં પૂર્ણ થયાં નથી અને હવે આ માનીતી એજન્સીઓનાં કામની સમય મર્યાદા વધારવામાં આવી રહી છે. ખરેખર આ બધું કોની મહેરબાનીથી થઈ રહ્યું છે તે તપાસનો વિષય છે, પરંતુ મ્યુનિસિપલ કમિશનરની ઉદાસીનતા લોકોને ઉડીને આંખે વળગી રહી છે કમિશનર પગલાં ભરે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

Panchang

dd