રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા. 3 : આગામી આઠમી
જૂનના વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શરૂ થઇ જશે જે માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આગોતરી
તૈયારી કરી રહ્યા છે. પાઠયપુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલબેગ વગેરેની ખરીદીઓ ચાલુ થઇ ગઇ છે. સાથે
અભ્યાસક્રમ મુજબ તમામ પુસ્તકોની ખરીદી સાથે પાઠયપુસ્તક વેચાણ કરનારાઓની સિઝન પણ શરૂ થઇ છે. જો કે, આ વર્ષે ભાવ વધારો નહીંવત રહેતાં વાલીઓને રાહત થઇ છે. ચાલુ વર્ષે ગુજરાત રાજ્ય
પાઠયપુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગ પણ સક્રિયતા દાખવી અને ધોરણ મુજબ તમામ પુસ્તકો ઉપલબ્ધ
કરાવ્યા હોવાનું સ્ટેશનરી ખરીદ-વેચાણ કરતા ધંધાર્થીઓ પાસેથી જાણવા મળ્યું છે. પુસ્તકોમાં
અભ્યાસક્રમમાં ફેરફારના લીધે સાતથી આઠ વિષયના અભ્યાસક્રમમા બદલાવ છે. જેમાં ધોરણ-2 ગુજરાતી,
ધોરણ-3 ગણિત અને
પર્યાવરણ, ધોરણ-6 ગણિત,
વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ધોરણ-7 અંગ્રેજી, ધોરણ 1થી 10ના તમામ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓ ખરીદી શકે છે.
જે ચાલુ વર્ષ શિક્ષણ માટે સારા સમાચાર હોવાનું દેખાઇ રહ્યું છે અને તમામ પુસ્તકો ઉપલબ્ધ
હોય તો વિદ્યાર્થીઓને ખરીદી સાથે અભ્યાસમાં પણ સગવડતા રહે છે. છેલ્લાં ત્રણ વર્ષથી
પુસ્તકોની અછત રહેતી અને શાળાઓ ખુલ્યા બાદ પણ દોઢ કે બે મહિના સુધી પુસ્તકો આવ્યા રાખે, પરંતુ ચાલુ વર્ષે જે ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક
મંડળ દ્વારા પ્રકાશિત થાય છે તે તમામ પુસ્તક ઉપલબ્ધ છે. તો બીજી તરફ મોંઘવારીના લીધે
પ્રાઇવેટ પબ્લિકેશન દ્વારા છપાયેલ પુસ્તકોના ભાવમાં 15થી 20 ટકા ભાવ વધારો ઝીંકાયો છે,
પરંતુ ગુજરાત રાજ્યના પાઠયપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થાય છે,
તેમાં નહીંવત ભાવવધારો છે, જે વિદ્યાર્થીઓ માટે
સારા સમાચાર કહી શકાય. આ અંગે માંડવીમાં શક્તિ બુક સ્ટોર નામથી સ્ટેશનરીનો વ્યવસાય
કરતા રામ ગઢવી, નિહાર ગઢવીનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે,
ચાલુ વર્ષે ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ દ્વારા જે પુસ્તક પ્રકાશિત
થાય છે તે તમામ ઉપલબ્ધ છે, ભલે અભ્યાસક્રમમાં ફેરફાર હોવા છતાં
પણ તમામ પુસ્તકોનો જથ્થો અપાયો હોવાથી અમોને વ્યવસાય કરવામાં પણ અનુકૂળ રહે છે. કોઇ
વિદ્યાર્થી આવીને પુસ્તકોની માગણી કરે તો તરત જ આપી દેવાય છે અને જેના લીધે અમારો અને
વિદ્યાર્થીઓ બંને માટે સમય સાથે આર્થિક બચત થાય છે, ભાવવધારા
અંગે પૂછતા શ્રી ગઢવીએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક
મંડળ દ્વારા જે પુસ્તકો પ્રકાશિત થાય છે, તેમાં ભાવવધારો નહીંવત
છે, જે વિદ્યાર્થીઓ માટે સારું છે.