• રવિવાર, 31 મે, 2026

ભુજ વોર્ડ નં.4ની બેઠકમાં વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ અંગે ચર્ચા

ભુજ, તા. 30 : શહેરના વોર્ડ નંબર 4માં નવનિયુક્ત નગરસેવકો તથા જાગૃત નાગરિકોની યોજાયેલી સંયુક્ત બેઠકમાં બેઠકમાં વોર્ડના સર્વાંગી વિકાસ અને નાગરિકોના પ્રશ્નોનાં નિરાકરણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં ઉપસ્થિત નાગરિકો અને વોર્ડ કમિટીના સભ્યો દ્વારા નવનિયુક્ત નગરસેવકો બીનાબેન ભાનુશાલી, ડોલીબેન શાહ, હરેશ મહેશ્વરીનું સન્માન કરવામાં આવ્યું હતું. સર્વાનુમતે બીનાબેન ભાનુશાલીની વોર્ડ સમિતિના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. નાગરિકો દ્વારા પોતાના વિસ્તારની પાણી, ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ સહિત મુખ્ય સમસ્યાઓ અંગે રજૂઆત કરાઈ હતી. સાથે જ નાગરિકો દ્વારા સ્વપ્રયાસથી તૈયાર કરવામાં આવેલા `વોર્ડ ડેવલપમેન્ટ પ્લાન'ની લેખિત કોપી નગરસેવકોને સુપરત કરાઈ હતી અને વધુ વિકાસલક્ષી કાર્યો કરવા માટે અનુરોધ કરાયો હતો. નગરસેવકોએ વોર્ડ કમિટીની દર ત્રણ માસે મળતી નિયમિત બેઠકમાં હાજર રહેવા તથા વિસ્તારોની મુલાકાત લઈને વધુમાં વધુ લોકોપયોગી કામો કરાવવા કટિબદ્ધતા વ્યક્ત  કરી હતી. બેઠકમાં વોર્ડ સહાયક દ્વારા છેલ્લા ત્રણ માસની કામગીરીનો અહેવાલ રજૂ કરાયો હતો, જેમાં 12 વિધવા મહિલા, છ દિવ્યાંગ વ્યક્તિ અને અન્ય વૃદ્ધ સહાય જેવી સરકારી યોજનાઓના લાભ લાભાર્થીઓને આપ્યા હોવાનું જણાવાયું હતું. બેઠકમાં સેતુ અભિયાન સંસ્થાના ડાયરેક્ટર મનીષ આચાર્ય, અજીમ પ્રેમજી ફાઉન્ડેશનના સૂરજોદયજી, વોર્ડ કમિટીના પ્રતિનિધિઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અર્બન સેતુ સંસ્થાના વિશ્રામ વાઘેલા દ્વારા 74મા બંધારણીય સુધારા અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યમાં નાગરિકોની સક્રિય સહભાગિતાનાં મહત્ત્વ વિશે માહિતી તથા નગરસેવકો, નાગરિકોને તેમની ભૂમિકા અંગે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન વોર્ડ સમિતિના સભ્યો દ્વારા કરાયું હતું. 

Panchang

dd