• રવિવાર, 31 મે, 2026

નલિયાના ધોતરાઉ તળાવ અને ધમાણી વાવનું પુનરુત્થાન જરૂરી

કપિલ જોષી દ્વારા : નલિયા, તા. 30 : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના સીમાડામાં આવેલા ઐતિહાસિક ધોતરાઉ તળાવ અને ધમાણી વાવ જાળવણીના અભાવે તેની ભવ્યતા ગુમાવી રહ્યા છે. પશુઓ અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ આ જળસ્રોતો આજે બાવળોનાં સામ્રાજ્ય છે. સ્થાનિકો દ્વારા આ જળસ્રોતોનાં સમારકામ અને સફાઈની તાતી માંગ કરવામાં આવી રહી છે. નલિયા અને જસાપર વચ્ચેના સીમાડામાં આવેલું ધોતરાઉ તળાવ આસપાસના ત્રણથી ચાર ગામના પશુઓ માટે ઉનાળામાં પણ પાણી પૂરું પાડીને આશીર્વાદરૂપ સાબિત થાય છે. જો કે, ઘણા લાંબા સમયથી તળાવનું ખાણેતરું કરવામાં ન આવતાં માટીનો થર જામી ગયો છે, જેના કારણે પાણીની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે. તદુપરાંત, તળાવની ચારે બાજુ બાવળોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જે જળસંગ્રહમાં અવરોધ ઊભો કરી રહ્યું છે. ગોપાલાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો તળાવનું ખાણેતરું અને બાવળોનું કાટિંગ કરવામાં આવે, ઓગનનું સમારકામ કરવામાં આવે, તો તળાવમાં વધુ પાણી રોકાઈ શકે છે, જેનાથી ભૂગર્ભજળ રિચાર્જ થશે અને આસપાસના ખેડૂતોને પણ લાભ થશે.બીજી તરફ ધોતરાઉ તળાવની બાજુમાં આવેલી 150 વર્ષ જૂની પગથિયાંવાળી ધમાણી વાવ તેના પથ્થર અને કોતરકામ માટે જાણીતી છે, તે પણ જર્જરિત હાલતમાં છે. ચારેકોર ઘાસ અને બાવળો ઊગી નીકળતાં વાવ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. આ બાબતે વાલજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, આ વાવનું પાણી મીઠું હોવાથી માલધારીઓ અને ખેડૂતો પીવાનાં પાણી માટે તેનો ઉપયોગ કરતા હતા, પરંતુ સફાઈના અભાવે તેનો ઉપયોગ બંધ થઈ ગયો છે. જો વાવની સફાઈ અને થોડું સમારકામ કરવામાં આવે, તો તે ફરીથી જીવંત થઈ શકે છે અને લોકો માટે ઉપયોગી બની શકે છે. વાવની બાજુમાં બનેલા બે અવાડા પણ પશુઓ માટે પાણીની વ્યવસ્થા પૂરી પાડી શકે છે. સ્થાનિકો દ્વારા ધોતરાઉ તળાવ અને ધમાણી વાવના સમારકામ અને સફાઈ માટે અનેકવાર માગણી કરવામાં આવી છે. આ જળસ્રોતોનું સંરક્ષણ અને પુનરુત્થાન અબડાસા તાલુકાના પશુપાલકો અને ખેડૂતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, તેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ દિશામાં પગલાં ભરવામાં આવે તે અનિવાર્ય છે. 

Panchang

dd