ભુજ / ગાંધીધામ, તા. 30 : મુંદરા ખાતે
ખાનગી કંપનીમાં ક્રેન રિવર્સ લેતાં તેના તળે સુપરવાઈઝર નદીમ ઈસ્માઈલ ખલીફા (ઉ.વ. 33) અને શ્રમિક રાજકુમાર કમલ યાદવ
(ઉ.વ. 30) કચડાઈ જતાં ગંભીરના ઈજાના લીધે
બંનેનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. ગાંધીધામ-કંડલા નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહનની
ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિનોદ રામેશ્વર
પાસવાન (ઉ.વ. 42)એ સારવાર દરમ્યાન આંખો મીંચી
લીધી હતી, જ્યારે ભુજમાં 20 વર્ષીય યુવક વિનિતભાઈ અશોકભાઈ
પુરબિયા અને ભુજ તાલુકાના જૂની ધાણેટીમાં 53 વર્ષીય આધેડ રાજાભાઈ રવાભાઈ કોલીએ ગળેફાંસા ખાઈ જીવ દીધા હતા.
આ ઉપરાંત અબડાસા તાલુકાના ચિયાસર સીમમાંથી તેરાના માનસિક રીતે અસ્વસ્થ એવા 60 વર્ષીય વૃદ્ધ કેશવજી વેલજી
ભટ્ટની કોહવાયેલી લાશ મળી હતી. મુંદરામાં આવેલી
એક્ટિવ કાર્ગો મૂવર્સ કંપનીમાં આજે બપોરે ત્યાં સુપરવાઈઝર તરીકે કામ કરતા મૂળ નલિયાના
નદીમ ખલીફા અને શ્રમિક એવા મૂળ બિહારનો રાજકુમાર યાદવ ત્યાં પોતાની કામગીરીમાં હતા
ત્યારે ક્રેન ચાલકે ક્રેન રિવર્સ લેતાં આ બંને યુવાન ક્રેન તળે કચડાયા હતા. બંને સારવાર
અર્થે પ્રથમ સ્થાનિક અને બાદમાં ભુજની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાયા હતા, પરંતુ બંનેના જીવ બચી શક્યા
ન હતા. બંને પરિજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ ગંભીર દુર્ઘટના પગલે સામાજિક આગેવાનો
પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જવાબદાર સામે પગલાં લેવાય તથા મૃતકના પરિજનોને વળતર માટે
કંપની આગળ આવે તેવી માંગ પરિજનો અને આગેવાનોએ કરી હતી. જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય
ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનો નિર્ણય લીધાની વિગતો હોસ્પિટલમાંથી આગેવાનો પાસેથી મળી
હતી. બીજીતરફ કંપનીના જવાબદારો હોસ્પિટલ આવી રહ્યાની વિગતો રાત્રે પ્રાપ્ત થઈ છે. નીલકંઠ પાર્કિંગ સામે ધોરીમાર્ગ ઉપર ગત તા. 27/5ના રાત્રિના 10 વાગ્યાના અરસામાં અકસ્માતનો
આ બનાવ બન્યો હતો. નીલકંઠ સોલ્ટ પ્રા. લિ.માં ડ્રાઈવર તરીકે કામ કરતા વિનોદભાઈ રસ્તો ઓળંગવા જતા હતા. તે દરમ્યાન પૂરઝડપે બેદરકારીપૂર્વક
વાહન ચલાવી અજાણ્યા વાહનચાલકે તેમને હડફેટે લીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ યુવાનને
સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી
લીધી હતી. દેવજીભાઈ જેસંગભાઈ આગરિયાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે. દરમ્યાન
ગઈકાલે રાતે ભુજના અંજલિનગર-2માં રહેતા
યુવક વિનિતભાઈ પુરબિયાએ કોઈ અકળ કારણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં તેના કાકા મનોજભાઈ
તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજીતરફ ધાણેટીમાં રાજાભાઈ
કોલીએ પણ ગઈકાલે સવારે કોઈ અગમ્ય કારણોસર ધાણેટીના ક્રિકેટ ગ્રાઉન્ડ બાજુ સીમ વિસ્તારમાં
વીજ ટાવર પોલના સ્પોટ એન્ગલમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પદ્ધર પોલીસે
અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ચિયાસરમાં રહેતા આશીફ ખલિફા
ગઈકાલે તેના ભાઈનું ઘેટું (રદ્રુ) લેવા માટે
વડવાળી ડેમડી બાજુ આવતાં જમીન પર એક અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી હતી. જે અંગે
કોઠારા પોલીસને જાણ કરાઈ હતી. કોઠારા પોલીસે છાનબીન આદરી હતી. તપાસકર્તા પીઆઈ પી.કે.
રાડાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ લાશ તેરાના 60 વર્ષીય કેશવજી
ભટ્ટની છે, જે માનસિક રીતે અસ્વસ્થ
હતા અને ભટકતું જીવન જીવતા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.