બિહાર-ઉત્તરપ્રદેશમાં વરસાદ, વીજળી
પડવાથી 48નાં મોત : નવી દિલ્હી, તા. 30 : દેશમાં ઉકળાટ વચ્ચે 15થી વધુ રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદનું એલર્ટ જારી કરાયું છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં બિહાર અને ઉત્તરપ્રદેશમાં
તોફાન, વરસાદથી 48 લોકોનાં મોત થઈ ગયાં છે.બિહારમાં
તોફાની પવન, વરસાદ, વીજળી પડવાની ઘટનાઓમાં 17 લોકોનાં મોત થયાં હતાં. પટણામાં વરસાદના કારણે ચાર ઉડાન ડાયવર્ટ
કરવી પડી હતી, તો 18 ઉડાન મોડી પડતાં યાત્રીઓ પરેશાન
થયા હતા.બીજી તરફ, ઉત્તરપ્રદેશના
વિવિધ ભાગોમાં વરસાદ, તોફાની પવનનાં કારણે 31 લોકોએ જીવ ખોયો હતો. તમામ 75 જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું
હતું. દેશનાં અનેક શહેરોમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી
ગયો છે, ત્યારે ખાસ કરીને બાળકો, વડીલોને તાપથી બચાવવાની સલાહ અપાઈ હતી. - રાજસ્થાનમાં
રેતીનો ભયાનક વંટોળ : ભરબપોરે અંધારું : જયપુર, તા. 30 : રાજસ્થાનના સરહદી જિલ્લામાં શનિવારે બપોરે પ્રકૃતિનું એક અદ્ભુત
અને બિહામણું રૂપ સામે આવ્યું હતું. ચૂરુમાં બપેરે 12 વાગ્યા આસપાસ અને શ્રીગંગાનગરમાં પણ અચાનક હવામાનનો મિજાજ પૂરી
રીતે બદલાયો હતો. આકાશમાં ધૂળ અને રેતીનો એટલો વિશાળ ગુબ્બારો ઉઠયો હતો કે પૂરા સૂરજને
જ ઢાંકી લીધો હતો. બીકાનેર, જયપુર, ડીડવાણા,
કુચમાન, અલવરમાં પણ રેતીના અભૂતપૂર્વ વંટોળથી લોકો
પરેશાન બન્યા હતા. ધૂળનો વંટોળ એટલો ગાઢ હતો કે જોતજોતામાં બપોરના સમયે જ અંધારું છવાયું
હતું અને વિઝિબિલિટી ઘટીને શૂન્યની નજીક પહોંચી હતી. સડકો ઉપર ચાલતા વાહનોના પૈડાં
થંભી ગયા હતા અને વાહનચાલકોએ મજબૂરીમાં હેડલાઇટ્સ શરૂ કરવી પડી હતી. હવામાન વિભાગના
સ્થાનિક સૂત્રો અનુસાર આ રેતીનો ચક્રવાત મામૂલી આંધી નહોતી. આ સમયે હવાની રફતાર 70 કિમી પ્રતિકલાકની માપવામાં
આવી હતી. અંદાજિત 30 મિનિટ સુધી
કુદરતના પ્રકોપનાં કારણે લોકો ઘરની બારીઓ અને દરવાજા બંધ કરવા મજબૂર બન્યા હતા. જો
કે રેતીના તોફાન બાદ તરફ બીજું રૂપ જોવા મળ્યું હતું જેમાં અચાનક વાદળો છવાયાં હતાં
અને અમુક સ્થળોએ વરસાદ શરૂ થયો હતો. - અરવલ્લી મહીસાગરમાં મેઘરાજાની
એન્ટ્રી : ધોધમાર વરસાદ : અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ
તરફથી) : સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપેલી અસહ્ય ગરમી અને અકળાવનારા ઉકળાટ
વચ્ચે હવામાનમાં અચાનક જ મોટો પલટો આવ્યો છે. કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો
માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અગાઉની આગાહીને પગલે
આજે, 30 મેની વહેલી
સવારથી જ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ખાસ કરીને અરવલ્લી
અને મહીસાગર જિલ્લામાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વિજળીના કડાકા-ભડાકા
સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાના આ ધમાકેદાર અને અણધાર્યા આગમનની સાથે જ વાતાવરણમાં
ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ બીજી તરફ જગતના તાત માટે ચિંતાના વાદળો પણ ઘેરાયા છે. વરસાદી
માહોલ અને ઠંડા પવનો ફૂંકાવાને કારણે રાજ્યભરના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો
છે. છેલ્લા 24 કલાકના સત્તાવાર આંકડાઓ પર
નજર કરીએ તો, મોટાભાગના શહેરોમાં પારો
1 થી 4 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો છે. આ ઘટાડા છતાં પણ 43.1ઓઈ તાપમાન સાથે અમદાવાદ શનિવારે
રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જિલ્લાના મુખ્ય મથક મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં
ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ
સવારથી જ ધોધમાર વરસાદ પડયો હતો. ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પર નજર કરીએ તો માલપુર
નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા અને સુનોખ તેમજ મોડાસાના ઇસરોલ (ઇસરી), જીતપુર અને જીવણપુર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. - ગુજરાતમાં
ભારે પવન, ગાજવીજની આગાહી : અમદાવાદ, તા.30 : હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારે પવન, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે તોફાની વાતાવરણ
રહેવાની ગંભીર ચેતવણી (એલર્ટ) જાહેર કરી છે. તારીખવાર આગાહી જોઇએ તો, આવતીકાલે ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર
જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ `ભારે વરસાદ' પડવાની ખાસ ચેતવણી આપવામાં આવી છે.
તા. 3 અને 4 જૂનના રોજ આ બે દિવસો દરમિયાન પવનની ગતિ
તીવ્ર રહેશે. સમગ્ર ઉત્તર ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર વગેરે), દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ
સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,
બોટાદ, કચ્છ અને દીવમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.