• રવિવાર, 31 મે, 2026

લોકોને ધક્કા ન ખવડાવો : મુખ્યમંત્રી

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય પ્રજા અને ખેડૂતોના પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે કડક વલણ અપનાવ્યું છે. મે-2026 મહિનાના  રાજ્ય સ્વાગત  ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકોની રજૂઆતો સાંભળ્યા બાદ તેમણે વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, જો નિયમ મુજબ અરજદારનું કામ થવાપાત્ર હોય તો તે તાત્કાલિક પૂરું કરવું જોઈએ. અને જો કોઈ કામ નિયમ મુજબ થઈ શકે તેમ ન હોય, તો અરજદારને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખવડાવવાને બદલે તેને તાત્કાલિક અને સ્પષ્ટ જવાબ આપી દેવો જોઈએ. સરકારની આ પારદર્શક કાર્યપ્રણાલીથી જ લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલી કુલ 4020 જેટલી રજૂઆતો સાંભળવામાં આવી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમ ખાતે 215 થી વધુ અરજદારો રૂબરૂ પોતાની રજૂઆતો લઈને આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા સ્વાગતમાં 1531 અને તાલુકા સ્વાગતમાં 2274 મળીને કુલ 4020 અરજદારોની ફરિયાદોને સંબંધિત વિભાગોમાં યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન જુનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે ખેતરે જવા-આવવાના રસ્તાઓ પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. આ સાંભળીને મુખ્યમંત્રીએ તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને આદેશ આપ્યો હતો કે જાહેર રસ્તાઓ પર દબાણ કરતા તત્વો સામે કડકાઈથી કામ લેવામાં આવે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

Panchang

dd