• રવિવાર, 31 મે, 2026

માનગઢ ઢૂવામાં રૂપિયા બાબતે ભાઈએ ધારિયું મારીને કરી ભાઈની હત્યા

ગાંધીધામ, તા. 30 : રાપર તાલુકાના માનગઢ ઢૂવામાં રૂપિયા બાબતે માતા સાથે ઝઘડો કરનાર ભાઈની ભાઈએ ધારિયાના ઘા મારીને હત્યા નીપજાવી હતી, બનાવની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભાઈની હત્યા કરનાર આરોપી ભાઈને પકડી પાડયો હતો. ગાગોદર પોલીસમાંથી મળતી વિગતો મુજબ આ બનાવ તા. 28/5ના સાંજના સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. માનગઢ ઢૂવામાં રહેતા લક્ષ્મીબેન ભાણાભાઈ કોલી (ઉં.વ. 50)ના દીકરા મનસુખ ભાણાભાઈ કોલી વચ્ચે રૂપિયા બાબતે ઝઘડો થઈ રહ્યો હતો, એ દરમિયાન આરોપી ભાઈ શ્રવણ ભાણાભાઈ કોલી એ તેના ભાઈ મનસુખભાઈને બળતણ કાપવાના ધારિયા વડે હુમલો કરીને ધારિયું પગમાં તથા બંને હાથમાં મારીને ગંભીર જાઓ પહોંચાડતાં મનસુખભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બંને ભાઈ વચ્ચે રૂપિયાને લઈને ઝઘડો થયા પછી તે હત્યાના અંજામ સુધી પહોંચ્યો હતો. આ બનાવની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે માતા લક્ષ્મીબેન કોલીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી શ્રવણ વિરુદ્ધ હત્યાની કલમો તળે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાપરમાં સામાન્ય બાબતે ત્રણ શખ્સે યુવાનની હત્યા નીપજાવી  હતી. 

Panchang

dd